રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેકથી 2 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદ અને ધોરાજીમાં હાર્ટ એટેકથી મોત થયાની વિગતો મળી છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ (ઉં.વ 28) નામનો યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે રવિ પંચાલનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાર્ટ એટેકથી અકાળે 28 વર્ષીય યુવકનું અવસાન થતાં પરિવારમાં મોતમ છવાયો છે. હાર્ટ એટેકથી મોતનો બનાવ રાજકોટના ધોરાજીમાં પણ બન્યો છે. ધોરાજીમાં પણ 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની આશુકુમાર દિનેશભાઈ સોનકાર (ઉં.વ 28) ધોરાજીમાં ભાદર 2 ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો. ડેમના પાટિયાનું સમારકામ કામ કરતી વખતે આશુ અચાનક ઢળી પડ્યો હતો. બનાવ બન્યા બાદ આશુને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.