આયુષ્માન ભારત પ્રધાનમંત્રી – જન આરોગ્ય યોજના (એબી પીએમ-જેએવાય) 19 ઓક્ટોબર 2023ના રોજ દેશભરમાં 26 કરોડ આયુષ્માન કાર્ડના સિમાચિહ્નને પાર કરી ચૂકી છે.. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળ (એનએચએ) દ્વારા અમલમાં મૂકવામાં આવેલી મુખ્ય યોજના અંતર્ગત 12 કરોડ લાભાર્થી પરિવારોને દ્વિતીયક અને તૃતીયક સારસંભાળ માટે દર વર્ષે કુટુંબદીઠ રૂ. 5 લાખનું આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે.
આયુષ્માન ભારત પીએમ-જેએવાય હેઠળ આયુષ્માન કાર્ડ નિર્માણ એ સૌથી મૂળભૂત પ્રવૃત્તિ છે અને આ યોજના હેઠળ દરેક લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારની આરોગ્ય યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભવ અભિયાન હેઠળની આ એક મુખ્ય પ્રવૃત્તિ છે. 13 સપ્ટેમ્બર, 2023ના રોજ અભિયાન શરૂ થયું ત્યારથી એનએચએનાં આઇટી પ્લેટફોર્મ પર 1.5 કરોડથી વધારે આયુષ્માન કાર્ડની વિનંતીઓ સફળતાપૂર્વક પ્રાપ્ત થઈ છે. ઓક્ટોબર 2023માં 19 ઓક્ટોબર 2023.સુધીમાં 86 લાખ આયુષ્યમાન કાર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. 13 સપ્ટેમ્બર, 2023ના રોજ એપ્લિકેશન શરૂ થયા પછી, એપ્લિકેશનને 26 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
આયુષ્યમાન કાર્ડ સમાનતા, અધિકાર અને સશક્તીકરણનું પ્રતીક બની ગયું છે. તે ગરીબ અને વંચિત પરિવારને ખાતરી આપે છે કે તેઓ રોગની બેવડી અસર અને તેની સારવાર માટે કરવામાં આવતા વિનાશક ખર્ચની નબળી અસર સામે રક્ષણ મેળવશે. આ હકીકત પર ભાર મૂકીને સરકાર એ સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરી રહી છે કે તમામ લાયક લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ હોય. 4 કરોડ આયુષ્યમાન કાર્ડ સાથે સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ ધરાવતા રાજ્યોની યાદીમાં ઉત્તરપ્રદેશ ટોચ પર છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અનુક્રમે 3.69 કરોડ અને 2.04 કરોડ આયુષ્માન કાર્ડ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત એ પણ ખૂબ જ સંતોષની વાત છે કે 49 ટકા આયુષ્યમાન કાર્ડ મહિલા લાભાર્થીઓ પાસે છે.
આયુષ્માન ભારત પીએમ-જેએવાયએ સફળતાપૂર્વક રૂ. 70,000 કરોડથી વધારે મૂલ્યની 5.7 કરોડ હોસ્પિટલમાં દાખલ થયા છે. આમ, ગરીબ અને વંચિત પરિવારોના ખિસ્સામાંથી 1 લાખ કરોડથી વધુની બચત થાય છે.