રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩ના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પોલીસ લોન ટેનિસ વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપીનેને રમતગમત ક્ષેત્રે લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા છે. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ લોન ટેનિસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, તે સરાહનીય છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આવી સ્પર્ધાઓથી વિવિધ રાજ્યના પોલીસ કર્મચારીઓને એકબીજા સાથે સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર થાય છે. સાથે જ એકબીજા સાથે વિવિધ સાંસ્કૃતિક બાબતોનું આદાનપ્રદાન પણ કરે છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી=એ વધુમાં જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ્ય માટે રમતગમત ખૂબ જ અનિવાર્ય છે. પોલીસની નોકરીમાં શારીરિક અને માનસિક બંને પ્રકારનો સ્ટ્રેસ રહેતો હોય છે. સ્ટ્રેસવાળી પોલીસની નોકરીમાં રમતગમત અને યોગ જેવી પ્રવૃત્તિઓ ફિટ રહેવા માટે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના ચેરમેનરાહુલ રસગોત્રા, અમદાવાદનાં મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી નરહરિ અમીન, અને હસમુખ પટેલ, ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, વિવિધ રાજ્યમાંથી આવેલ લોન ટેનિસ પોલીસ ટીમ, તેમજ જિલ્લા અને રાજ્યના વિવિધ પોલીસ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





