ભારતને અડીને આવેલા દરિયાઈ વિસ્તારોમાં એક સાથે બે ચક્રવાતી વાવાઝોડા સર્જાયા છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાયું છે, જેને ‘તેજ’ નામ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભું થયું છે, જેને ‘હામૂન’ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગઅનુસાર, ‘તેજ’ સતત તીવ્ર બની રહ્યું છે . તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયા બાદ ‘તેજ’ ઓમાન અને યમન તરફ આગળ વધશે. અગાઉ તે ગુજરાતના દરિયાકાંઠે અથડાવાનો ભય હતો, જે હવે ટળી ગયો છે.
આઈએમડીના જણાવ્યા અનુસાર વાવાઝોડું ‘હામૂન’ પણ સક્રિય થઈ ગયું છે. તે 21 ઓક્ટોબરના રોજ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર, પારાદીપ (ઓડિશા)થી લગભગ 620 કિમી દક્ષિણે, દીઘા (પશ્ચિમ બંગાળ)થી 780 કિમી દક્ષિણમાં અને ખેપુપારા (બાંગ્લાદેશ)થી 900 કિમી દક્ષિણે સ્થિત છે. 23 ઓક્ટોબરની આસપાસ તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
આ બંને વાવાઝોડા ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા નથી. આ કારણે ભારત પર કોઈ ખાસ અસર નહીં થાય. જોકે, ચેન્નાઈ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં થોડો ફેરફાર થવાની અપેક્ષા છે. કેરળ અને તમિલનાડુના આંતરિક ભાગોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ બંને વાવાઝોડાના રસ્તા પણ અલગ-અલગ છે અને તે એકબીજાથી લગભગ 2,500 કિલોમીટરના અંતરેથી પસાર થશે.