ગુજરાતમાં ત્રણ દિવસમાં 2 હજાર હોટલ અને સ્પામાં પોલીસે દરોડા પાડ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યભરની હોટલ અને સ્પા સેન્ટર પર ગુજરાત પોલીસે ઘોંસ બોલાવી છે. આ કાર્યવાહી બાદ સ્પાના ઓઠા હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિ કોઈ કાળે નહીં ચલાવી લેવાય તેવો સરકારનો નિર્દેશ જણાઈ રહો છે. ત્રણ દિવસમાં 279 આરોપીઓ સામે ગુના દાખલ કરી 204 એફઆઈઆર નોંધવામાં આવી છે. 183 આરોપીઓની ધરપકડ કરાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ સ્પેશિયલ ડ્રાઇવમાં ત્રણ દિવસમાં અલગ અલગ 2 હજાર સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.
વિસ્તૃત વિગત મુજબ, ગુજરાતમાં સ્પા કલ્ચર ખુબ બેફામ વધ્યું છે. મોટાભાગના શહેરોમાં હાઇપ્રોફાઈ સ્પા શરૂ થઈ ગયા છે. જેમના કેટલાક સ્પામાં દેહના વેપલા પણ ચલાવાઈ રહ્યાં છે. જેને લઇને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું કે, સ્પાની આડમાં આ પ્રકારની ગંદકીને સંપૂર્ણ દૂર કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેટલાક દિવસો પહેલા સ્પા સંચાલક દ્વારા એક યુવતીને બેફામ માર મારવામાં આવતો હતો તેનો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી. યુવતીને શોધીને સ્પાના માલિક સામે ગુનો નોંધી તેની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
દરમિયાન એક કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પા સામે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્યનું પોલીસ વિભાગ ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહ્યું છે. ગયા વર્ષે પણ આ વિષય પર અને સ્પા મામલે મોટા પગલાઓ ભરવામાં આવ્યા હતા. હું તમામને વિશ્વાસ અપાવું છું કે, આ પ્રકારની જે પણ ગંદકી હશે તેને સંપૂર્ણ દૂર કરવામાં આવશે અને એ માટે રાજ્ય પોલીસ હંમેશા મજબૂતાઇથી કામગીરી કરી રહી છે. આ પછી સરકારે ત્રણ દિવસમાં ગુજરાત પોલીસે કરેલી કામગીરીના આંકડા જાહેર કર્યા છે.