ઇઝરાયલ- હમાસ યુદ્ધમાં વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ આરબ દેશો, ઇરાન, રશિયા અને ચીન, પેલેસ્ટાઈનીઓને સાથ આપે છે, તો બીજી તરફ અમેરિકા, બ્રિટન, જેવા પશ્ચિમના દેશો ખુલ્લી રીતે ઇઝરાયલને સાથ આપે છે. અમેરિકાના પ્રમુખ જો બાયડન, બ્રિટશ પીએમ ઋષિ શુનક અને જર્મન ચાન્સેલર ઓલેફ શુલ્ઝ ઇઝરાયલની મુલાકાત લઈ ચુકયા છે. હવે ગ્રીસના વડાપ્રધાન કીરીયા કોસ, મિત્સોટાકિસ પણ આજે ઇઝરાયલ પહોંચ્યા છે. તે ઉપરાંત નેધરલેન્ડના પીએમ માર્ક-રૂટ અને ફ્રાંસના પ્રમુખ, ઇમેન્યુઅલ મેક્રો પણ ઇઝરાયલ જવાના છે. આ સર્વે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને મળવાના છે.
ટાઈમ્સ ઓફ ઇઝરાયલના રિપોર્ટ પ્રમાણે ગ્રીસના પીએમ પછી તુર્ત જ ફ્રાંસના પ્રમુખ અને નેધરલેન્ડના પીએમ પણ ઇઝરાયલ જવાના છે. દરમિયાન ઇઝરાયલે ગાઝા પટ્ટી ઉપર હુમલો તેજ કરી દીધો છે. સોમવારે તેણે કેટલાએ રોકેટ ગાઝા પટ્ટી પર છોડયા છે. હમાસનું કહેવું છે કે એ હુમલામાં ૭૦ના જાન ગયા છે. ઇઝરાયલ કુલ ૩૨૦ સ્થળોએ હુમલા કર્યા છે.
નેતન્યાહુએ સેનાના ટોચના અધિકારીઓ અને તેમની વોર-કેબિનેટની મીટીંગ બોલાવી હતી. તેમાં યુદ્ધની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. કેટલાક કઠોર નિર્ણયો પર પણ વિચાર કરવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે તેનાં ભૂમિદળને ભૂમી ઉપર હુમલો કરવા માટે મંજૂરી અપાશે. અત્યારે ઇઝરાયલે ૩ લાખ સૈનિકો તૈનાત કરી રાખ્યા છે. તેમને આગામી આદેશ માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. ઇઝરાયલની સેનાનો દાવો છે કે ગયા બે દિવસમાં જ તેણે હમાસના કેટલાએ કમાન્ડરોને મારી કાઢયા છે. તેમાં એક મુહમ્મદ કાતામાશ પણ છે જે હમાસની સેનાનો ડેપ્યુટી હેડ હતો.