આદ્યશક્તિની આરાધનાના નવ દિવસના તહેવારમાં રાજ્યની 108 ઈમર્જન્સી સર્વિસને છેલ્લા 8 દિવસમાં 673 ઈમર્જન્સી કોલ આવ્યા હતા, જેમાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરાઈ હતી. આ દરમિયાન આઠમા નોરતે અમદાવાદમાં છાતીમાં દુખાવાની સૌથી વધુ 30 ફરિયાદ કરવામાં આવી હતી. નવરાત્રિ દરમિયાન બીજા, ચોથા અને પાંચમા નોરતે આ કેસ વધી ગયા હતા અને અનુક્રમે 92, 109 અને 102 જેટલી છાતીમાં દુખાવાની ફરિયાદ 108ને કોલ કરીને કરાઈ હતી. સામાન્ય દિવસોમાં આ કોલની સંખ્યા 88 રહેતી હોય છે. એવરેજ કરતાં આ દિવસોમાં કાર્ડિયાકને લગતા કેસની ફરિયાદ 108ને કરાઈ હતી.
નવરાત્રિના પર્વ દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં છાતીમાં દુખાવાની ફરિયાદ 108 ઈમર્જન્સીને કરવામાં આવી હતી, જેમાં રાજ્યનાં ચાર મુખ્ય શહેર અને જિલ્લામાં ફરિયાદનું પ્રમાણ અમદાવાદમાં સૌથી વધુ રહ્યું હતું અને આઠમા નોરતે 22 ઓક્ટોબરે છાતીમાં દુખાવાની 30 ફરિયાદ કરવામાં આવી હતી. તો ચોથા નોરતે રાજકોટ અને સુરતમાં 11-11 રહી હતી. પાંચમા નોરતે રાજકોટથી છાતીમાં દુખાવાને લગતી ફરિયાદના 10 કોલ કરાયા હતા.
નવરાત્રિ દરમિયાન આઠ દિવસમાં છાતીમાં દુખાવાની એવરેજ 21 ફરિયાદ 108માં નોંધાઈ હતી, જે સામાન્ય દિવસો દરમિયાન 27 રહેતી હોય છે. આઠમા નોરતે જ એવરેજ કરતાં વધારે ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ હતી, જેમાં 30 કોલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 8 દિવસના કોલ જોઈએ તો અમદાવાદમાં 15મીએ 21, 16મીએ 25, 17મીએ 19, 18મીએ 22, 19મીએ 23, 20મીએ 19, 21મીએ 10 અને 18મીએ 30 છાતીમાં દુખાવાની ફરિયાદ કરવામાં આવી હતી.