દેશમાં દશેરાના દિવસે બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં 11 લોકોના મોત થયા છે. તમિલનાડુ અને ઝારખંડમાં અકસ્માતની ઘટના બની હતી જેમાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તમિલનાડુમાં એક કાર સરકારી બસ સાથે ટકરાઇ હતી જેમાં 6 લોકોના મોત થયા હતા જ્યારે ઝારખંડમાં એક ગાડી તળાવમાં ખાબકતા 5 લોકોના મોત થયા છે.
તમિલનાડુમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં એક કાર સરકારી બસ સાથે ટકરાઇ હતી. તમિલનાડુના તિરૂવન્નામાઇમાં એક દૂર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. આ દૂર્ઘટના સંગમ-કૃષ્ણગિરી હાઇવે પર બની હતી. ઝારખંડના દેવધર જિલ્લાના ચિતારા વિસ્તારમાં દશેરાની સવારે દર્દનાક દૂર્ઘટના થઇ છે. અહીં સિકટિયા અજય બારાજમાં સવારે 5.15 વાગ્યે એક બોલેરો ગાડી પડતા બે માસુમ બાળક સહિત એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.
આસનસોલના મનોજ ચૌધરીની દીકરી અને બાળક દૂર્ગા પૂજા મનાવવા માટે તેમના ગામ ગયા હતા. પોતાના બાળક અને પત્નીને લેવા માટે મનોજના જમાઇ ગામમાં આવ્યા હતા. સવારે 4.30 વાગ્યે મનોજની દીકરી લવલી દેવી પતિ, ભાઇ અને બાલકો સાથે ગિરિડીહ જિલ્લા અંતર્ગત શાખો બાંસડીહ ગામ માટે બોલેરો લઇને નીકળ્યા હતા. આ દરમિયાન કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ગાડી રેલિંગ તોડીને તળાવમાં ખાબકી હતી. આ દરમિયાન ગાડીના ચાલકે દરવાજો તોડીને કોઇ રીતે પોતાનો જીવ બચાવી લીધો હતો પણ તેનો હાથ તૂટી ગયો હતો. પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.