રેશિમબાગ મેદાનમાં RSS પ્રમુખ મોહન ભાગવતે કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. મોહન ભાગવતે કહ્યું- કેટલાક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ સ્થપાય. કટ્ટરતાને કારણે દુનિયામાં યુદ્ધો થાય છે. મોહન ભાગવતે મણિપુર હિંસાને લઇને પણ પોતાનું નિવેદન આપ્યુ હતુ. ભાગવતે કહ્યું-દુનિયામાં ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. આપણો દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશી મહેમાનોના સ્વાગત માટે ભારતની પ્રશંસા કરવામાં આવી હતી. વિશ્વએ વિવિધતાથી સજેલી આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવ્યું છે.
મોહન ભાગવતે કહ્યું, ‘મણિપુરની વર્તમાન સ્થિતિને જોઇએ તો આ વાત ધ્યાનમાં આવે છે. લગભગ એક દાયકાથી શાંત મણિપુરમાં અચાનક આ આગ કેવી રીતે લાગી? હિંસા કરનારાઓમાં શું સરહદ પારના ઉગ્રવાદીઓ પણ હતા? શા માટે અને કોના દ્વારા મણિપુરી મૈતેઈ સમુદાય અને કુકી સમુદાય વચ્ચેના આ પરસ્પર સંઘર્ષને સાંપ્રદાયિક સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેઓ તેમના અસ્તિત્વના ભાવિ વિશે ભયભીત હતા? વર્ષોથી સમાન દ્રષ્ટિથી સૌની સેવા કરવા માટે કાર્યરત સંઘ જેવી સંસ્થાને કોઈપણ કારણ વગર આમાં ખેંચી લેવાનો કોનો સ્વાર્થ છે? આ સરહદી વિસ્તારમાં નાગાભૂમિ અને મિઝોરમ વચ્ચે સ્થિત મણિપુરમાં આવી અશાંતિ અને અસ્થિરતાનો લાભ લેવામાં કઈ વિદેશી શક્તિઓને રસ હોઈ શકે? શું આ ઘટનાઓની કારણભૂત પરંપરાઓમાં દક્ષિણપૂર્વ એશિયાની ભૂરાજનીતિની પણ ભૂમિકા છે? દેશમાં મજબૂત સરકાર હોવા છતાં આટલા દિવસો સુધી આ હિંસા કોના બળ પર ચાલુ છે? છેલ્લા 9 વર્ષથી ચાલી રહેલી શાંતિ જાળવી રાખવા માંગતી રાજ્ય સરકાર હોવા છતાં આ હિંસા શા માટે ફાટી નીકળી અને ચાલુ રહી? આજની પરિસ્થિતિમાં જ્યારે સંઘર્ષની બંને બાજુના લોકો શાંતિ ઈચ્છી રહ્યા છે ત્યારે તે દિશામાં કોઈ સકારાત્મક પગલું ભરવામાં આવતાં જ અકસ્માત સર્જીને નફરત અને હિંસા ભડકાવી શકે તેવી કઈ શક્તિઓ છે?
સૃષ્ટિ વિવિધ બની છે, તે વિવિધ જ રહેશે, સ્વાર્થ રહે છે, કટ્ટરપંથ પણ રહેશે જ
આપણા બંધારણના પ્રથમ પાના પર જેમની (રામ) તસવીર છે, તેમનું ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે. 22 જાન્યુઆરીએ તેનું લોકાર્પણ થશે. આપણે બધા ત્યા નહીં જઇ શકીએ પરંતુ આપણી આસપાસના મંદિરોમાં આપણે જઇ શકીએ છીએ, દેશમાં ધાર્મિકતાનું વાતાવરણ બને એવો પ્રયત્ન અમે કરી રહ્યાં છીએ. ભારતનો અમૃતકાળ અમને જોવા મળી રહ્યો છે. વિશ્વ 2000 વર્ષથી સુખની શોધમાં અનેક પ્રયોગ કરીને થાકી ગયું. એવી કેટલીક વસ્તુ છે જેમનું તેમણે સમાધાન મળ્યું નથી. સૃષ્ટિ વિવિધ બની છે, તે વિવિધ જ રહેશે, સ્વાર્થ રહે છે, કટ્ટરપંથ પણ રહેશે જ.