વિશ્વ અત્યારે યુદ્ધ સ્થિતિની અસર હેઠળ છે. યુક્રેન-રશિયા બાદ હમાસ-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. હમાસ-ઇઝરાયેલ યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્રે દરમ્યાનગીરી કરતા યુદ્ધ રોકવા બંને દેશોને વિનંતી કરી. સંયુક્ત રાષ્ટ્રએ 24 ઓક્ટોબરના મંગળવારે હમાસ-ઈઝરાયેલ યુદ્ધ રોકવા એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જોકે ઈઝરાયેલે આ વિનંતીને ફગાવી દીધી હતી.
યુએનમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને કહ્યું કે યુએન સેક્રેટરી જનરલ યુએનનું નેતૃત્વ કરવા માટે યોગ્ય નથી કારણ કે તેઓ ‘બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સામૂહિક હત્યાના અભિયાન’ માટે કોઈ સમજણ બતાવતા નથી. ઇઝરાયેલના વિદેશ પ્રધાન એલી કોહેને કહ્યું કે તમે એવા વ્યક્તિ સાથે યુદ્ધવિરામ માટે કેવી રીતે સંમત થઈ શકો છો જેણે તમારા અસ્તિત્વનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય.
ગાઝા પર સંભવિત ઇઝરાયલી ભૂમિ આક્રમણ અંગેની અટકળો પર રાષ્ટ્રપતિ જો બાઈડેને ખાતરી આપી છે કે ઇઝરાયેલ પાસે તેની પોતાની પસંદગીઓ કરવાની સ્વાયત્તતા છે. અમેરિકી રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે ગાઝામાં ગ્રાઉન્ડ એટેક માટે IDF ‘તૈયાર છે’ તેના જવાબમાં બાઈડેને કહ્યું કે ઈઝરાયેલ પોતાના નિર્ણયો લઈ શકે છે. અમેરિકા હમાસ-ઇઝરાયેલ યુદ્ધમાં ઇઝરાયેલને સમર્થન આપી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં અમેરિકા મદદરૂપ બનતા યુદ્ધ વધુ ગંભીર બની શકે છે. બુધવારે, ઇઝરાયેલની સેનાએ જણાવ્યું હતું કે સીરિયાથી ઇઝરાયેલ તરફ રોકેટ છોડવામાં આવ્યા બાદ તેના જેટે સીરિયન આર્મી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોર્ટાર લોન્ચર પર હુમલો કર્યો હતો. IDF ચીફ ઓફ સ્ટાફ, લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ ગ્રાઉન્ડ ઓપરેશન માટે તૈયાર છીએ તેમ જણાવ્યું.