ઉત્તરાખંડમાં ગંભીર અકસ્માતની બે ઘટના સામે આવી છે.જેમાં આદિ કૈલાસ દર્શન કર પરત ફરતા ભક્તોની કાર નદીમાં ખાબકી છે. જેમાં 6 ભક્તોના કરું મોત થયા છે. જયારે અન્ય એક અકસ્માતની ઘટનામાં ઉત્તરાંખંડ ના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતનો આબાદ બચાવ થયો છે.
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. ધારચુલા-લિપુલેખ રોડ પર લખનપુર પાસે પાંગલા ખાતે એક ટેક્સી કાલી નદીમાં પડી હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. પિથૌરાગઢના પોલીસ અધિક્ષક લોકેશ્વર સિંહે જણાવ્યું હતું કે આ અકસ્માત મોડી સાંજે થયો હતો જ્યારે શ્રદ્ધાળુઓ આદિ કૈલાશના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર સવારથી મૃતદેહોને શોધવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં બે ભક્તો બેંગલુરુના, બે અન્ય તેલંગાણાના અને બે વ્યક્તિ ઉત્તરાખંડના છે.
પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની ફોર્ચ્યુનર કાર મોડી રાત્રે હલ્દવાનીથી કાશીપુર તરફ જતી વખતે રોડની વચ્ચે સ્થાપિત ડિવાઈડર સાથે સીધી ટકરાઈ હતી અને પૂર્વ મુખ્યમંત્રી રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા. બાઝપુરમાં ડિવાઈડર સાથે અથડાતાં તેમની ફોર્ચ્યુનર કારને નુકસાન થયું હતું. ખૂબ જ જોરદાર ધડાકા સાથે કાર અથડાઈ હોવાનો અવાજ સાંભળીને મેળો જોઈને પરત ફરતા અનેક લોકો ભેગા થઇ ગયા હતા. પૂર્વ સીએમ હરીશ રાવતને જોતા જ તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી. જો કે તબીબોએ હાલ કોઈ મોટી ઈજા ન હોવાનું જણાવ્યું છે. આ અકસ્માતમાં ભૂતપૂર્વ સીએમ તેમના ડ્રાઈવર અને ગનરનો પણ બચાવ થયો હતો.