ઈઝરાયેલમાં 4 લાખથી વધારે યુવાનોએ આતંકી સંગઠન હમાસ વિરૂદ્ધના યુદ્ધમાં હથિયાર ઉઠાવી લીધા છે. આ વચ્ચે દુનિયાભરમાં ઈઝરાયેલની 13 છોકરીઓની એક સૈન્ય ટૂકડીની ચર્ચા થઈ રહી છે. આ ટૂકડીએ100થી વધારે હમાસના ખૂંખાર આતંકીઓને ઠાર મારીને કિબુટ્ઝ શહેરનો કબજો પરત લીધો છે. હમાસે 7 ઓક્ટોબરના રોજ આ શહેર પર સૌથી મોટો આતંકી હુમલો કર્યો હતો.
લેફ્ટિનેંટ કર્નલ બેન યેહુદાના નેતૃત્વમાં 13 મહિલા સૈનિકોની ટૂકડીએ હમાસના આતંકીઓને પછાડયા છે. આ મહિલા સૈનિકોએ હમાસ પર ત્યારે હુમલો કર્યો હતો જ્યારે, ઈજિપ્તની નજીક આવેલી ઈઝરાયેલની પોસ્ટ પર હમાસના આતંકીઓ ઘાતક પ્રહાર કરવાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. મહિલાઓની ટૂકડીએ સમયસર કાર્યવાહી કરતાં આ ક્ષેત્ર હમાસના હાથમાં જતા બચ્યું હતું.
સૂફા મિલિટ્રરી બેઝ પર હમાસના આતંકીઓએ હુમલો કરતા એક સૈનિકે બેન યેહુદાને સંદેશ મોકલીને એલર્ટ કરી હતી. યેહુદાને જેવો મેસેજ મળ્યો કે, ભારે હથિયારોથી સજ્જ અનેક આંતકીઓ ત્રાટકવાની તૈયારીઓ કરી રહ્યાં છે. તેણે પોતાની મહિલા બ્રિગેડને સંબોધન કરીને તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. યેહુદાએ કહ્યું કે, આપણે મજબૂત છીએ અને આપણને હરાવવા અશક્ય છે. આ સાથે જ તેણે પોતાની ટીમને હમાસ પર પ્રાણઘાતક હુમલો કરવા કહ્યું હતું. જ્યારે, યેહુદાની ટીમ એક પોસ્ટ નજીક પહોંચી ત્યારે માહિતી મળી હતી કે, હમાસે તેમાં ઈઝરાયેલના 50 આર્મી જવાનોનું અપહરણ કર્યું હતું. પોસ્ટમાં અપહરણ કરાયેલા સૈનિકો હોવાથી તેને ઉડાવી શકાય તેમ નહતી. આથી તેમણે જે પોસ્ટ પર અનેક ગનમેન અને એન્ટી ટેન્ક મિસાઈલ તેનાત હતી તેને ચારેતરફથી ઘેરીને 100 આતંકીઓ પર હુમલો કર્યો હતો. આ મહિલા બ્રિગેડે 4 કલાકના મિશનમાં હમાસના ૧૦૦ આતંકીઓને પરાસ્ત કર્યા હતાં.