કોલકાતામાં બંગાળના મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે EDએ રેડ કરી છે. ઇડીના અધિકારી ગુરૂવાર સવારે બંગાળના વન મંત્રીના ઘરે પહોંચ્યા હતા. આ રેડ રાશન કૌભાંડ સાથે જોડાયેલી છે જેની તપાસ ઇડી કરી રહ્યું છે. જ્યોતિપ્રિય મલિક વન મંત્રી બન્યા પહેલા ખાદ્ય મંત્રીનો કાર્યભાર સંભાળતા હતા.
આ પહેલા ઇડીએ આ કથિત કૌભાંડમાં ચોખા મિલના માલિક બકીબુર રહમાનની ધરપકડ કરી હતી. 2004માં એક ચોખાની મિલ માલિકના રૂપમાં પોતાની કરિયર શરૂ કરનારા રહમાને 2 વર્ષમાં ત્રણ કંપની ઉભી કરી નાખી હતી. ઇડીના અધિકારીઓ અનુસાર, રહમાન કથિત રીતે શેલ કંપનીઓની શ્રેણી ખોલીને પૈસા કાઢ્યા હતા. ઇડીના સૂત્રો અનુસાર, રહમાને ખાદ્ય વિભાગમાં પહોંચ બનાવી હતી અને રાશન વિભાગમાં પોતાના રેકેટ દ્વારા, જનતા માટે ફાળવવામાં આવતા ખાદ્યાન્નને ગેરકાયદેસર વેચીને પૈસાની હેરાફેરી કરી હતી. ઇડીના અધિકારીઓએ કહ્યું કે રહમાન પાસે કોલકાતા અને બેંગલુરૂમાં હોટલ અને બાર છે અને તેને વિદેશી કાર ખરીદી છે. થોડા દિવસ પહેલા ઇડીએ બકીબુર રહમાનની ધરપકડ કરી હતી.