તળાજા તાલુકાના મામસી ગામે એકાદ વર્ષ પૂર્વે થયેલી માથાકૂટની અદાવતમાં બે પક્ષો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં ચાર શખસોને લોહિયાળ ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના બનાવમાં બન્ને પક્ષે સામ-સામે ૧૩ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તળાજાના મામસી ગામે રહેતા પ્રતાપસિંહ નિરૂભા ગોહિલ (ઉ.વ.૭૦)ના દિકરા જીતેન્દ્રસિંહને એકાદ વર્ષ પૂર્વે જીતેન્દ્રસિંહ અરવિંદસિંહ સાથે બોલાચાલી થઈ હતી તેની દાઝ રાખી મંગળવારે સાંજના સમયે પ્રતાપસિંહ તેમજ તેમનો ભત્રીજો અર્જુનસિંહ બળભદ્રસિંહ ગોહિલ બાઈક લઈ મંદિરે દર્શન કરી વાડીએ જઈ રહ્યા હતા.
અજયસિંહ બળભદ્રસિંહ ગોહિલ, શોભરાજસિંહ નિરૂભા ગોહિલ, ભગીરથસિંહ બળભદ્રસિંહ ગોહિલ, બળભદ્રસિંહ બબલુભા ગોહિલ અને નિરૂભા ગગુભા ગોહિલ (રહે, તમામ મામસી) નામના શખ્સોએ બાઇક ઉભી રખાવી ગાળો દઈ લોખંડના પાઈપ વડે કાકા-ભત્રીજા પર હુમલો કરી ઢીકાપાટુંનો માર મારી પ્રતાપસિંહના દિકરાને મારી નાંખવા ધમકી આપી હતી. મારામારીના આ બનાવમાં ઈજા પામેલા કાકા-ભત્રીજાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પ્રતાપસિંહ ગોહિલે પાંચેય શખ્સો સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે બળભદ્રસિંહ ઉર્ફે ભદુભા બાબુભા ગોહિલ (ઉ.વ.૪૯, રહે, મુળ મામસી, હાલ ગણેશનગર, ચિત્રા, ભાવનગર)એ તેમના દિકરા અજયસિંહ સાથે અગાઉ ઝઘડો થયાની દાઝ રાખી જીતેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહિલ, પ્રતાપસિંહ મુળુભા ગોહિલ, ભુપતસિંહ મુળુભા ગોહિલ, સુરપાલસિંહ અરવિંદસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલ, અર્જુનસિંહ બળભદ્રસિંહ ગોહિલ, યોગીરાજસિંહ પદુભા ગોહિલ અને ઘુઘુભા અનિરૂધ્ધસિંહ ગોહિલ નામના આઠ શખ્સે કુહાડી, લાકડી, લોખંડનો પાઈપ, લાકડાના ધોકા અને ધારિયા વડે તેમને તેમજ બચાવવા વચ્ચે પડેલા તેમના કાકાના દિકરા ગજેન્દ્રસિંહ નિરૂભા ગોહિલને માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે ઈજાગ્રસ્ત આધેડે નોંધાવેલી ફરિયાદના આધારે તળાજા પોલીસે આઠ શખ્સ સામે ફરિયાદ નોંધીહતી. આમ પોલીસે સામસામી કુલ ૧૩ શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.