પાકિસ્તાનની ક્રિકેટ ટીમે વર્લ્ડકપમાં વધુ એક હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી એક રોમાંચક મેચમાં પાકિસ્તાનને દક્ષિણ આફ્રિકાએ એક વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડકપમાં સતત ચાર મેચ ગુમાવી છે. આ હાર સાથે જ બાબર આઝમની આગેવાની ધરાવતી પાકિસ્તાનની ટીમનું સેમિ ફાઇનલમાં પહોંચવુ મુશ્કેલ બની ગયું છે.
દક્ષિણ આફ્રિકાની પાકિસ્તાન પર ઐતિહાસિક જીત પછી કેશવ મહારાજ સોશિયલ મીડિયા પર ટ્રેડ કરવા લાગ્યા છે. કેશવે જ 48મી ઓવરમાં મોહમ્મદ નવાઝની બીજા બોલ પર વિજયી બાઉન્ડ્રી ફટકારી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની 9 વિકેટ 260 રનમાં પડી ગઇ હતી અને તેને 11 રન બનાવવાના હતા. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં મહારાજે તબરેજ શમ્સી સાથે મળીને 11 રનની ભાગીદારી કરી પોતાની ટીમને જીત સુધી પહોચાડી હતી. કેશવ મહારાજે 21 બોલમાં અણનમ 7 રન બનાવ્યા હતા. જ્યારે તબરેજ શમ્સીએ 6 બોલમાં અણનમ ચાર રનનું યોગદાન આપ્યુ હતુ. વિનિંગ શૉટ ફટકાર્યા પછી કેશવ મહારાજનું જોશ જોવા લાયક હતું.
કેશવ મહારાજ ભારતીય મૂળના ખેલાડી છે. કેશવના પૂર્વજ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરનો છે. કેશવના પિતા આત્માનંદ મહારાજે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પૂર્વજ 1874ની આસપાસ સુલ્તાનપુરથી ડરબન આવી ગયા હતા, તે સમયમાં ભારતીય લોકો ખુશ જીવન જીવવા માટે કામની શોધમાં સાઉથ આફ્રિકા જેવા દેશમાં જતા રહેતા હતા. કેશવ હિન્દૂ દેવી દેવતાઓની પૂજા કરે છે અને ખાસ કરીને તે હનુમાનનો ભક્ત છે. કેશવના પિતા પણ ક્રિકેટર રહી ચુક્યા છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં વિકેટ કીપર હતા. જોકે, આત્માનંદને ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી.
વર્ષ 1999 પછી પ્રથમ વખત સાઉથ આફ્રિકાએ કોઇ વર્લ્ડકપ મેચ (ટી-20/વન ડે)માં પાકિસ્તાનને હરાવ્યું છે. વર્તમાન વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાની છ મેચમાં આ પાંચમી જીત છે. આ જીત સાથે જ પોઇન્ટ ટેબલમાં ટીમ ટોપ પર પહોંચી ગઇ છે. ભારત-સાઉથ આફ્રિકા બન્નેના 10-10 પોઇન્ટ છે.