ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 25મો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે સોમવારે રાત્રે તેમણે હમાસના 300 સ્થાનને નિશાન બનાવ્યા, જેમાં એન્ટી-ટેન્ક મિસાઇલ અને રોકેટ લોન્ચિંગ સાઇટ્સ, મિલિટરી કમ્પાઉન્ડ અને ગ્રાઉન્ડની નીચે બનેલી ટનલોનો સમાવેશ થાય છે.
સેનાએ કહ્યું હતું કે તેમણે ટનલમાં હાજર હમાસ આતંકવાદીઓ પર હુમલો કર્યો. આ સમયગાળા દરમિયાન હમાસના ઘણા સભ્યો મૃત્યુ પામ્યા હતા. ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેમણે હમાસના વરિષ્ઠ નેતા નસીમ અબુ અજીનાને મારી નાખ્યો છે. તે ઑક્ટોબર 2016માં ઇઝરાયલનાં બે શહેર ઇરેઝ અને નેટિવ હસારા પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો.
ઇઝરાયલની સેનાએ કહ્યું- અમે ગાઝામાં કેટલાક કલાકો સુધી ખાસ ગુપ્ત સૈન્ય ઓપરેશન કર્યું. આ સમય દરમિયાન તેમણે તેમની એક મહિલા સૈનિકને બચાવી હતી, જેને હમાસ દ્વારા પકડવામાં આવી હતી. આ સૈનિક હવે તેના પરિવાર સાથે છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. ઇઝરાયલની સેનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન વધુ તીવ્ર કરવામાં આવશે. બીજી તરફ, સોમવારે મોડી રાત્રે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું- ઇઝરાયલ 7 ઓક્ટોબરથી યુદ્ધમાં છે. ઇઝરાયલે આ યુદ્ધ શરૂ કર્યું ન હતું. ઇઝરાયલ આ યુદ્ધ ઇચ્છતું ન હતું. અમે યુદ્ધવિરામની ઘોષણા નહીં કરીએ, એ હમાસને આત્મસમર્પણ કરવા જેવું હશે.