મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે. મરાઠા અનામતની માગ સાથે ગઈકાલે 9 લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. 19થી 31 ઓક્ટોબર વચ્ચે એટલે કે માત્ર 13 દિવસમાં આ સમુદાયના કુલ 26 લોકો જીવન ટૂંકાવી ચૂક્યા છે આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીના અજિત પવાર જૂથના મંત્રી હસન મુશ્રીફની કાફલામાં સામેલ કાર પર હુમલો કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે.
આજે સીએમ એકનાથ શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જોકે ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાને આ બેઠકમાં ચર્ચા કરવા માટે આમંત્રણ નથી આપવામાં આવ્યું જેના લીધે સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે પણ ભડક્યાં હતાં.
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે કહ્યું, “મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જે ગેરકાયેદસર મુખ્યમંત્રી છે જેમણે એક સર્વદળીય બેઠક બોલાવી છે. બેઠકમાં તમામને બોલાવવામાં આવ્યા પરંતુ જે પાર્ટી કાલ સુધી સત્તામાં હતી, જે પાર્ટીએ મહારાષ્ટ્રને કેટલાક મુખ્યમંત્રી આપ્યા, તમે પણ તે પાર્ટીના મુખ્યમંત્રી (એકનાથ શિંદે) બન્યા. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં તમે તેમણે નથી બોલાવતા, તેનાથી તમે પોતાની રાજકીય ભડાસ કાઢી રહ્યાં છો.”
બીજી બાજુ આંદોલનના નેતા મનોજ જરાંગે આ આંદોલનને દેશવ્યાપી બનાવવાની ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે સરકાર વિશેષ સત્ર બોલાવે અને અનામત અંગે જલદી નિર્ણય કરે નહીંતર તે જળનો પણ ત્યાગ કરશે. જોકે હવે સરકાર વિવાદને ટાળવા માટે વિશેષ સત્ર બોલાવીને મરાઠા અનામત પર વટહુકમ લાવે તેવી શક્યતા છે. બીજી બાજુ નાસિકમાં પથ્થરમારાની ઘટના પણ બની હતી જેના પગલે કર્ફ્યૂ લાગુ કરાયો હતો. મરાઠા આંદોલનને લઇને અનેક જગ્યાએ પ્રદર્શન કરવામાં આવ્યા છે.