કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો હત્યાનો બનાવ સામે આવ્યો છે. ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી ગુમ થયેલા 87 વર્ષીય વૃદ્ધાની શોધખોળ દરમિયાન હત્યાના ચોંકાવનારા બનાવનો ઘટસ્ફોટ થયો છે. વોંધડા ગામના સરપંચના પુત્રને એક યુવતી સાથે લગ્ન કરવા હતા. પરંતુ, પોતાના કુંટુબની જ યુવતી હોય તેના લગ્ન શક્ય ન હતા. પરંતુ, બંને અલગ થવા તૈયાર ન હતા. જેથી બંનેએ સાથે મળીને એક સ્ટોરી ઘડી કાઢી હતી. જેમાં પ્રેમિકાને ગુમ કરી મૃત જાહેર કરવાનું નક્કી કર્યું હતું.
જેના માટે પ્રેમિકાએ સળગી જઈ આત્મહત્યા કરી હોવાનું પ્રસ્થાપિત કરવા હાડકા મેળવવાનો નિર્ણય કર્યો હતો. આરોપીએ સૌ પ્રથમ કબ્રસ્તાનમાંથી હાડકાની શોધખોળ કરી હતી. પરંતુ, ત્યાંથી નિષ્ફળતા હાથ લાગતા ભચાઉમાં વૃદ્ધાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જો કે, આરોપી વૃદ્ધાની લાશને સળગાવે તે પહેલા જ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો. પોલીસે વોંધડાના સરપંચના પુત્ર અને તેની પ્રેમિકાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાને અંજામ આપનાર રાજુ પોતાના ગામની જ અને કુંટુબની રાધિકા નામની છોકરી સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ, આ લગ્ન સામાજિક દ્રષ્ટિએ શક્ય ન હતા. પરંતુ, રાજુ અને રાધિકા અલગ થવા તૈયાર ન હતા. જેથી રાધિકાએ આત્મહત્યા કરી હોવાની સ્ટોરી ઘડી કાઢી તેને ગુમ કરી દેવાનો પ્લાન ઘઢી કાઢ્યો હતો.