સુરતના ઉધના વિસ્તારમાંથી પોલીસે એક નકલી IPS અધિકારી ઝડપી પાડ્યો છે. નકલી IPS બનીને ફરી રહેલા આ યુવકનું નામ મોહમ્મદ શરમાઝ છે અને તે મૂળ બિહારનો વતની છે. સુરતમાં તે ઉધનાવિસ્તારમાં રહે છે અને સંચા ખાતામાં કામ કરે છે.
સુરતના ભાઠેના વિસ્તારમાં થયેલા અકસ્માતની ઘટનામાં તપાસ અર્થે પહોંચેલી ઉધના પોલીસ ઘટનાના સીસીટીવી તપાસ કરી રહી હતી ત્યારે ઉધના પોલીસને આ નકલી IPS નજરે પડતા શંકા જણાઈ હતી. પોલીસે તેની પાસે જઈને પોલીસનું ઓળખપત્ર માંગતા તેણે પોતાનું આધારકાર્ડ આપ્યું હતું અને તેનો ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસે આ શખ્સ પાસેથી IPSની વર્ધી અને એક પ્લાસ્ટિકની વોકીટોકી મળી આવી છે. પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તે વાહનચાલકોને રોકી ઉઘરાણા કરવાનો હતો અને બાદમાં વતન ભાગી જવાની ફિરાકમાં હતો.