રાજ્યના મહાનગરો અને શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વસીસ ઓથોરિટીના રિપોર્ટ બાદ 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં કરવામાં આવેલી કાર્યવાહીનો 5979 પાનાનો દળદાર રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 27 ઓગસ્ટથી 5 નવેમ્બર સુધીના આંકડાઓ દર્શાવાયા છે.
સુનાવણી દરમિયાન કોર્ટે તંત્રની કેટલીક કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. કેટલીક બાબતેને લઈને કોર્ટે કહ્યું હતું કે, ખરાબ રસ્તા અને રખડતા ઢોરને લઈને કેટલીક બાબતે હજી સુધી અમલી બની નથી જેનો અમલ થવો જોઈએ. રાજ્ય સરકારે નવી કેટલ પોલિસી અંગે વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે, પોલિસી અને ગ્રાઉન્ડ પર રિયાલિટીમાં તફાવત છે. તંત્રએ કાગળ પર કાર્યવાહી કરી પણ વાસ્તવિક હકીકત જુદી જ છે. ચાર વર્ષ બાદ પણ વાસ્તવિકતામાં કોઈ ફેર પડ્યો નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1835 રખડતા ઢોર પકડ્યા, 772 RFID લગાવી, 7 FIR નોંધી
સુરત મ્યુ. કોર્પોરેશને 514 રખડતા ઢોર પકડ્યા, 373 RFID, 35 FIR , રાજકોટ મ્યુ. કોર્પોરેશને 468 રખડતા ઢોર પકડ્યા, 369 RFID, 0 FIR, વડોદરાકોર્પોરેશને 305 રખડતા ઢોર પકડ્યા, 1211 RFID લગાવી, 8 FIR નોંધી, ગાંધીનગર કોર્પોરેશને 179 રખડતા ઢોર પકડ્યા, 175 RFID લગાવી, 0 FIR, ભાવનગર મ્યુ. કોર્પોરેશને 367 રખડતા ઢોર પકડ્યા, 82 RFID લગાવી, 0 FIR ,
જામનગર મ્યુ.કોર્પોરેશને 430 રખડતા ઢોર પકડ્યા, 225 RFID લગાવી, 72 FIR, જૂનાગઢ કોર્પોરેશને 216 રખડતા ઢોર પકડ્યા, 50થી વધુ RFID લગાવી, 16 FIR નોંધી છે. 157 નગર પાલિકાઓમાં 4328 રખડતા ઢોર પકડવામાં આવ્યા, 424 RFID લગાવાઈ, 15 FIR નોંધાઈ છે.
સરકારે રજૂ કર્યો હતો 13 મુદ્દાનો એક્શન પ્લાન
ગુજરાતમાં રખડતા ઢોરથી લોકો હેરાન પરેશાન થઈ ગયાં છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યાર સરકાર દ્વારા ઢોર નિયંત્રણ પોલીસી અમલમાં આવી હતી. જેને લઇ તમામ મહાનગર અને નગર પાલિકાઓ દ્વારા ઢોર પકડવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે સરકારે 6 ઓક્ટોબરે હાઇકોર્ટ સમક્ષ એક્શન પ્લાન રજૂ કર્યો હતો.
રખડતા ઢોરને પકડવાની કામગીરી રોજ ચાલુ રહેશે.
તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લગાવાશે
તમામ નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા તૈયાર કરવામાં આવશે.
ઢોરવાડાઓની સફાઈ પ્રત્યે પૂરતી તકેદારી રાખવામાં આવશે
ઢોરવાડામાં રહેલા પશુના સ્વાસ્થ્ય અંગે તમામ તકેદારી રખાશે
સ્થાનિક કોર્પોરેશન કે નગર પાલિકા વિનામૂલ્યે આવા પશુનું નિર્વહણ કરશે
પાલિકાઓમાં ઢોરના ત્રાસથી રક્ષણ માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે
વર્ષ 2023-24 માટે 30 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે
મહાનગર પાલિકા દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયા
પશુઓને રખડતા મુકનારની સામે ભારતીય દંડ સહિત અંતર્ગત કાર્યવાહી કરાશે
ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188, 189 હેઠળ ગુનો નોંધાશે
વારંવાર પશુને રખડતા મૂકનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે
CNCD વિભાગને પૂરતું પોલીસ રક્ષણ આપવામાં આવશે