ઇઝરાયેલ અને ગાઝામાં એક મહિના કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વના અનેક દેશોમાં આ યુદ્ધને તાત્કાલિક બંધ કરવા માટે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ગાઝા પર હુમલાના વિરોધમાં અમેરિકાના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને તાત્કાલિક યુદ્ધવિરામની માંગણી થઈ રહી છે. આ પ્રો-પેલેસ્ટાઈન વિરોધીઓ યુએસ સરકાર પાસે નક્કર પગલાં લેવા અને ઈઝરાયેલને શસ્ત્રો ન પૂરા પાડવાની માંગ કરી રહ્યા છે.
દરમિયાન, મંગળવારે વોશિંગ્ટનના ટાકોમા બંદર પર સેંકડો પેલેસ્ટિનિયન સમર્થકોએ વિરોધ કર્યો હતો અને ઇઝરાયેલને દારૂગોળો અને બોમ્બ સપ્લાય કરવા જઈ રહેલા અમેરિકન જહાજનો માર્ગ અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. સેંકડો પેલેસ્ટિનિયન સમર્થકોએ વોશિંગ્ટનના ટાકોમામાં બંદર પર લશ્કરી સપ્લાય જહાજને અવરોધિત કરવા માટે રેલી કાઢી હતી. તેઓ માનતા હતા કે જહાજો યુનાઇટેડ સ્ટેટ્સથી ઇઝરાયેલમાં શસ્ત્રોને લઇ જઈ રહ્યા છે. જેનો ઉપયોગ ગાઝા પટ્ટીમાં કરવામાં આવશે.
પેન્ટાગોને કોઈપણ વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ યુએસ કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેપ ઓર્લાન્ડો જહાજ પર “કથિત રીતે અતિક્રમણ” કર્યા પછી ત્રણ વિરોધીઓને આખરે દૂર કરવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. તેઓ હાલમાં ફેડરલ કાયદાના સંભવિત ઉલ્લંઘન માટે તપાસ હેઠળ છે.