અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મિની બસમાં ભયંકર વિસ્ફોટ થતા 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ કાબુલમાં શિયા બહુમતી ધરાવતા વિસ્તારમાં થયો છે. અગાઉ શિયા સ્કુલો, હોસ્પિટલો અને મસ્જિદોને નિશાન બનાવાઈ હતી
પોલીસ પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું કે, કાબુલ શહેરના પશ્ચિમમાં દશ્તી બારચી વિસ્તારમાં આ વિસ્ફોટ થયો છે. તેમણે કહ્યું કે, વિસ્ફોટ કયા કારણોસર થયો તેની જાણ થઈ નથી, જોકે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હજુ સુધી કોઈપણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ અગાઉ ઈસ્લામિક સ્ટેટ સમુહના સંગઠને આ વિસ્તારમાં શિયા સ્કુલો, હોસ્પિટલો અને મસ્જિદોને નિશાન બનાવ્યા હતા. અગાઉ ઓક્ટોબરમાં આ જ વિસ્તારમાં એક સ્પોર્ટ્સ ક્લબમાં વિસ્ફોટ થયો હતો, જેની ઈસ્લામિક સ્ટેટ સમુહે જવાબદારી લીધી હતી.