મે મહિનામાં દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભડકેલી હિંસાની આગ શાંત થવાનું નામ લઈ રહી નથી. તાજેતરના ઘટનાક્રમમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ 4 લોકોના અપહરણ કરી લીધા હતા જેમાં સૈનિક પરિવારના ત્રણ લોકો પણ સામેલ છે.
આ ઘટના મંગળવારે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બની હતી. જેના પછી ફરી હિંસાનો માહોલ સર્જાયો હતો. જયારે કુકીના ગામમાં બે મૈતેઈ કિશોરોના અપહરણ બાદ હત્યા કરાયાની પોલીસને આશંકા છે. આ ઘટના બાદ ફરી હિંસાનો દોર શરૂ થયો છે. જેવા જ અપહરણના અહેવાલ ફરતા થયા કે હથિયારોથી લેસ કુકી આતંકીઓએ ઈમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લા સાથે કાંગચુપ વિસ્તારમાં લોકોના સમૂહ પર ગોળીબાર કરી દીધો હતો જેમાં બે પોલીસકર્મીઓ અને એક મહિલા સહિત સાત લોકો ઘવાયા હતા.
મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં 5 નવેમ્બરે બે કિશોરોના ગુમ થવાના સંબંધમાં પોલીસે કુકી રિવોલ્યુશનરી આર્મી (KRA)ના બે માણસોની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને આરોપીઓની ઓળખ લંકોશી ચોંગેઈ અને સતગોગીન હેંગસિંગ તરીકે થઈ છે. પોલીસને બંને કિશોરોની હત્યાની પણ આશંકા છે.