રાજ્યમાં હાર્ટ-એટેકથી નાની ઉંમરે યુવકો અને બાળકો પણ મોતને ભેટી રહ્યાં છે. કોઈપણ પ્રકારની બીમારી ન હોય એમ છતાં અનેક લોકો હાર્ટ-એટેકનો શિકાર બની રહ્યા છે. રોજેરોજ આ પ્રકારના કેસ સામે આવતાં ચિંતાજનક બાબત કહી શકાય છે.
રાજ્યમાં 10 કલાકમાં જ 4નાં શંકાસ્પદ હાર્ટ-એટેકથી મોત થયાં છે.
વેસુ અને ડિંડોલીમાં સિક્યોરિટી ગાર્ડ અને પાંડેસરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ-એટેકથી મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ પરિવારે પોતાના સ્વજનને ગુમાવતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ, મોરબીના નાનીવાવડી ગામે શિક્ષકને હાર્ટ-એટેક આવતાં તેમનું પણ મોત નીપજ્યું છે.
મૂળ ઉત્તપ્રદેશ અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં 42 વર્ષીય જયરામ ચીમકાભાઈ શાહુ એકલો રહેતો હતો. પરિવાર વતનમાં રહે છે. જયરામ હાલ વેસુ વિસ્તારમાં આવેલી એટમો સ્પેઅર એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. આજે સવારે નોકરી પર હતો ત્યારે અચાનક છાતીમાં દુખાવા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૂળ ઓડિશાના વતની અને સુરતના ભેસ્તાન આવાસમાં 50 વર્ષીય લક્ષ્મણ અર્જુનભાઈ સ્વાઇ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. લક્ષ્મણભાઈ ભેસ્તાન વિસ્તારમાં આવેલી મિલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાત્રે ઘરે અચાનક તબિયત લથડી હતી અને બેભાન થઇ ગયા હતા, જેથી દીકરો પિતાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા, પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવશંકર નગરમાં 45 વર્ષીય બાબુ ધોબાભાઈ નાહક પરિવાર સાથે રહેતા હતા. બાબુભાઈ લૂમ્સના ખાતામાં કામ કરી ગુજરાન ચલાવતા હતા. રાત્રે અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થઈ ગયા હતા, જેથી પુત્ર પિતાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે ફરજ પરના તબીબે બાબુભાઇને મૃત જાહેર કર્યા હતા.
ગઈકાલે રાત્રે મોરબીના નાનીવાવડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપક દલપતરામ વૈષ્ણવનું હાર્ટ-એટેકથી મોત નીપજ્યુ હતું. મળતી માહિતી મુજબ, મૂળ ખરેડા ગામના અને હાલ નાનીવાવડી ગામે આવેલા ભૂમિ ટાવરમાં રહેતા અને મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામભાઈ વૈષ્ણવ અંદાજિત (ઉં.વ. 46)નું ગઈકાલે રાત્રે બેડમિન્ટન રમ્યા બાદ હાર્ટ બેસી જતાં મોત નીપજ્યું હતું. અચાનક હાર્ટ-એટેકથી થયેલા મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.