કેરળની એક કોર્ટે 63 વર્ષના એક વ્યક્તિને સગીર બાળકી પર બળાત્કાર કરવા બદલ 109 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. દોષિતે થોડા વર્ષો પહેલા આ બાળકીને દત્તક લીધી હતી. રાજ્યના આ દક્ષિણ જિલ્લામાં અદૂર ખાતેની ફાસ્ટ-ટ્રેક વિશેષ અદાલતે પંડાલમના કુરમપાલાના વતની થોમસ સેમ્યુઅલને સજા સંભળાવી. કોર્ટે દોષિત પર 6.25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
ન્યાયાધીશ એ. સમીરે આદેશ આપ્યો હતો કે દંડની ચુકવણી કરવામાં નિષ્ફ્ળ જશે તો, સેમ્યુઅલને ત્રણ વર્ષ અને બે મહિનાની વધારાની કેદ ભોગવવી પડશે. દંડની રકમ પડોશી રાજ્ય તમિલનાડુની રહેવાસી 12 વર્ષની પીડિતાને આપવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, દોષિતને કુલ 20 વર્ષ જેલમાં પસાર કરવા પડશે કારણ કે તેની સજા એક સાથે ચાલશે. પોલીસના જણાવ્યા મુજબ, થોડા વર્ષો પહેલા, તમિલનાડુની રહેવાસી પીડિતા તેના બે ભાઈ-બહેન અને દાદી સાથે સ્થાનિક દુકાનના ઓટલા પર રહેતી હતી. માતાપિતાએ તેમને ત્યજી દીધા હતા. બાળ કલ્યાણ સમિતિના પ્રયાસોથી ત્રણ સ્થાનિક પરિવારોએ ત્રણેય બાળકોને દત્તક લીધા હતા.
પીડિતાને થોમસ અને તેની પત્નીએ દત્તક લીધી હતી. થોમસની પત્નીને કોઈ સંતાન ન હતું. થોમસે તેના ઘરે આવેલી પીડિતા સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. અને માર્ચ 2021 અને મે 2022 ની વચ્ચેના એક વર્ષના સમયગાળા દરમિયાન તેણીને ધમકી આપ્યા પછી તેની સાથે બળાત્કાર ગુજારવાનું શરુ કર્યું હતું. દરમિયાન તેની પત્નીની તબિયત લથડતા તેણે બાળ કલ્યાણ સમિતિને બાળકીને પરત લેવા અપીલ કરી હતી. જે બાદ અન્ય પરિવારે પીડિતાને દત્તક લીધી.
ઘાતકી ઘટના અન્ય પરિવાર દ્વારા બાળકીને દત્તક લેવામાં આવી ત્યારે પ્રકાશમાં આવી હતી. અને નવા પરિવાર સમક્ષ બાળકીએ અગાઉના પરિવારના મોભી દ્વારા પોતાની સાથે થયેલ દુષ્કર્મની હકીકત જણાવી હતી. તેની ફરિયાદના આધારે પંડાલમ પોલીસે ગુનો નોંધી વ્યાપક તપાસ હાથ ધરી છે. કોર્ટે IPC અને POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ કડક સજા ફટકારી છે.