દિવાળી વેકેશન માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ શહેરોમાં જવા માટે એસટી બસ ઉપાડવાનું આયોજન કાપોદ્રાના ધારુકાવાલા કોલેજ ખાતેથી કરવામાં આવ્યું હતું. દરમિયાન કાપોદ્રામાં ધારૂકાવાલા કોલેજ ગ્રાઉન્ડ પરથી 100 બસ ઉપાડવામાં આવી હતી. જેને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સાથે જ આ બસમાં જનાર લોકો સાથે સંવાદ કર્યો હતો. વતન જતા તમામ લોકોએ કહ્યું હતું કે, આ વર્ષે કરવામાં આવેલું આયોજન દર વર્ષે ચાલુ રાખવું. આ મંદીના માહોલમાં સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા ખૂબ જ સારી હતી. આ વ્યવસ્થામાં અમને કોઈ તકલીફ થઈ નથી અને કોઈ હેરાનગતિ પણ થઈ નથી. ટિકિટના ભાવમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બીજીતરફ માત્ર છેલ્લા બે દિવસમાં સુરત એસટીને 38.88 લાખ રૂપિયાની આવક થઈ હતી. તેમાં કુલ 11394 મુસાફર નોંધાયા હતા. બે દિવસમાં બસોની 154 ટ્રીપ નીકળી હતી. તેમાં સૌથી વધુ ટ્રીપ ઝાલોદ અને દાહોદ જિલ્લા માટે હતી. 4600 મુસાફર નોંધાયા હતા. 154 ટ્રીપમાં બસો કુલ 73381 કિલોમીટર પ્રવાસ કરશે.ઝાલોદ જિલ્લા માટે 72, દાહોદ જિલ્લા માટે 19 ટ્રીપ, અમરેલી જિલ્લા માટે 13 ટ્રીપ, મહુવા માટે 10 ટ્રીપ, સાવરકુંડલા માટે 7 ટ્રીપ, ભાવનગર માટે 4 ટ્રીપ, ગરિયાધાર માટે 5 ટ્રીપ, જૂનાગઢ માટે 5 ટ્રીપ, રાજકોટ માટે 3 ટ્રીપ અને સંતરામપુર માટે 1 ટ્રીપ ગઈ છે. આ ટ્રીપમાં સુરત એસટીને દોઢ કરોડ રૂપિયાથી વધુ આવક થવાની સંભાવના છે.