જેલ કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યા બાદ ગુજરાત સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે 12 નવેમ્બરે દિવાળીના દિવસે 71 જેલ કેદીઓને મુક્ત કર્યા છે. આ 71 જેલ કેદીઓ દિવાળી અને ત્યારબાદના તહેવાર તેમના પરિવાર સાથે ઉજવી શકશે. આ જેલ કેદીઓની વર્તણૂંક સારી હોવાથી તમામને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે.
બે દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા જેલ વિભાગના ક્લાસ-3ના કર્મચારીઓના ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે 13.22 કરોડના બજેટની ફાળવણી કરાઈ છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર હવેથી જેલ સહાયકને 3500, જેલ સિપાહી માટે 4000, હવલદારને 4500 અને સુબેદારને 5000 રૂપિયાનું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થું આપવાની મોટી જાહેરાત કરાઈ છે. જ્યારે ફિક્સ પગારનાં જેલ સહાયકોને રૂપિયા 150 લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને 665 રૂપિયા રજા પગાર કરી દેવામાં આવ્યો છે.