ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 12 નવેમ્બરના રોજ સવારે 4 વાગ્યે એક નિર્માણાધીન ટનલ તૂટી પડી હતી. છેલ્લા 110 કલાકથી 40 જેટલા મજૂર અંદર ફસાયેલા છે. ગુરુવારે સવારે અમેરિકન ઓગર્સ મશીનને નવેસરથી ઇન્સ્ટોલ કરીને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આર્મીના હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા હેવી ઓગર મશીનને દિલ્હીથી ઉત્તરાખંડ લાવવામાં આવ્યું છે.
ફસાયેલા મજૂરો બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના છે. નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL), NDRF, SDRF, ITBP, BRO અને નેશનલ હાઈવેની 200થી વધુ લોકોની ટીમો 24 કલાક કામ કરી રહી છે. ચારધામ પ્રોજેક્ટ હેઠળ આ ટનલ બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને ડંડલગામ વચ્ચે બનાવવામાં આવી રહી છે.
NHIDCLના ડિરેક્ટર અંશુ મનીષ ખલખોએ જણાવ્યું હતું કે, 25 ટનનું હેવી ઓગર મશીન પાંચથી છ મીટર પ્રતિ કલાકની ઝડપે ડ્રિલ કરે છે. જો તે બરાબર કામ કરશે, તો આગામી 10 થી 15 કલાકમાં તેમને બચાવી શકાય છે. જો કે, તે આંતરિક સંજોગો પર પણ નિર્ભર રહેશે.
કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ગુરુવારે ટનલની અંદર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું- મજુરો ટનલની અંદર ફસાયેલા છે. તે જગ્યાએ લાઈટ છે અને અમે તેમને ખોરાક અને પાણી પહોંચાડી રહ્યા છીએ. એક નવું મશીન કામ કરી રહ્યું છે, જેની પાવર અને સ્પીડ જૂના મશીન કરતાં વધુ સારી છે. અમારો પ્રયાસ છે કે આ રેસ્ક્યુ ઓપરેશનમાં 2-3 દિવસમાં લાગી શકે છે. પીએમઓ, જે બચાવ કામગીરી પર નજર રાખી રહ્યું હતું, ત્યાર બાદ સેનાને એમાં સામેલ કરવામાં આવી છે. હવે સેના તેનાં ભારે મશીનો વડે ડ્રિલિંગનું કામ કરશે. આર્મીનું કાર્ગો એરક્રાફ્ટ હર્ક્યુલસ બુધવારે મશીન લઈને ચિન્યાલીસૌર હેલિપેડ પહોંચ્યું હતું. મશીન અહીંથી સિલ્કિયારા લાવવામાં આવ્યું છે.