અમદાવાદમાં રવિવારે વન ડે વર્લ્ડકપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ મુકાબલાને લઇને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પરાકાષ્ટાએ પહોંચી ગયો છે.ક્રિકેટપ્રેમીઓના ઉત્સાહનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય છે કે અમદાવાદ આવવા માટેના એરફેરમાં દસ ગણો વધારો થઇ ગયો છે. મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં 3 હજારની આસપાસ હોય છે પરંતુ ફાઇનલને પગલે તે વધીને રૂપિયા 42 હજારને પાર થઇ ગયું છે.
સામાન્ય રીતે દિવાળીની રજાઓમાં અમદાવાદથી અન્ય સ્થળે જવાનું એરફેર આસમાને પહોંચી જતું હોય છે પરંતુ વર્લ્ડકપ ફાઇનલને પગલે આ વખતે અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે. બુધવારે રાતના ભારતે ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યો એ સાથે જ અમદાવાદ આવવા માટેનું એરફેર આસમાને જવાનું શરૂ થઇ ગયું હતું. 12 નવેમ્બર રાત સુધી એટલે કે ભારતનો ફાઇનલમાં પ્રવેશ થયો નહોતો ત્યાં સુધી મુંબઇ-અમદાવાદનું એરફેર રૂપિયા 26400 હતું. આમ, પાંચ દિવસમાં જ એરફેર 50 ટકા જેટલો વધારો થયો છે.
ફાઇનલ મેચ માટે ધસારાને પગલે અમદાવાદ આવવા રવિવાર-સોમવાર પૂરતી 10 વધારાની ફ્લાઇટ શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. વર્લ્ડકપ ફાઇનલને પગલે અમદાવાદ એરપોર્ટને પણ સજ્જ કરી દેવામાં આવ્યું છે. રવિવારે વહેલી સવારથી બપોર સુધીનો સમય અમદાવાદ એરપોર્ટ વીવીઆઇપી મૂવમેન્ટથી ધમધમશે. અંદાજે 100થી વધુ ચાર્ટડ ફ્લાઇટની અવર જવર એક જ દિવસમાં નોંધાય તેવી સંભાવના છે. અગ્રણી ઉદ્યોગપતિઓ, ફિલ્મસ્ટાર્સ, વરિષ્ઠ નેતાઓ આ મુકાબલો માણવા માટે અમદાવાદના અતિથિ બનશે.
ચાર્ટર્ડ ફ્લાઇટથી આગમન કરનારા મહાનુભાવો માટે જી.એ.ટર્મિનલમાં ખાસ લાઉન્જની પણ વ્યવસ્થા કરાઇ છે. અમદાવાદ એરપોર્ટનું પાર્કિંગ હાઉસફૂલ થઇ જાય તેવી સંભાવના છે. આ સ્થિતિને પગલે, રાજકોટ, વડોદરા, સુરત, ઉદયપુર એમ અમદાવાદ આસપાસના એરપોર્ટને સ્ટેન્ડ બાયમાં રખાયા છે.