અમદાવાદ શહેરના પોલીસકર્મીઓએ ફરી ખાખીને કાળો ડાઘ લગાવ્યો છે. G ડિવિઝન ટ્રાફિક પોલીસના ચારથી પાંચ પોલીસકર્મીઓએ ખાખીને શર્મસાર કરી છે. 19 નવેમ્બરને રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ હતી, જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી પણ ક્રિકેટ ચાહકો મેચ જોવા આવ્યા હતા. આ દરમિયાન દિલ્હીથી મિત્રો સાથે કાર લઈને આવેલા એક શખ્સનો G ડિવિઝન ટ્રાફિક પોલીસના ચારથી પાંચ પોલીસકર્મીઓએ કેસમાં ફસાવવાની ધાક-ધમકીઓ આપી તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે.
નેશનલ હાઇવેથી અમદાવાદ શહેરમાં પ્રવેશતા નાના ચિલોડા પાસે G ડિવિઝન ટ્રાફિક પોલીસના ચારથી પાંચ પોલીસકર્મીઓએ એક દિલ્હીથી મિત્રો સાથે આવેલા એક કારચાલાક કાનવ મનચંદાને થોભાવી તેની પૂછપરછ કરી હતી. પોલીસકર્મીઓએ આ કારચાલકને પૂછતાં તેણે કહ્યું હતું કે તેમની પાસે દારૂની એક બંધ બોટલ છે.પોલીસ કર્મીઓએ આ યુવક અને તેના મિત્રોના ફોન લઈ લીધા હતા અને પોલીસવાનમાં બેસાડી દીધા હતા.
ગુજરાતમાં દારૂબંધી છે, માટે દિલ્હીના આ શખ્સોને પોલીસ સ્ટેશન લઈ જઈ યોગ્ય કાર્યવાહી કરવાને બદલે પોલીસકર્મીઓએ શહેરના રસ્તાઓ પર ફેરવ્યા હતા અને કેસમાં ફસાવવાની ધાક-ધમકીઓ આપી રૂ.20000નો તોડ કર્યો હતો. પોલીસકર્મીઓએ UPI મારફતે આ નાણાં હડિયોલ અરુણ ભરતસિંહ નામના અને મની ટ્રાન્સફરનું કામ કરનારા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાં હતા.
આ સમગ્ર મામલે અમદાવાદ શહેરના પૂર્વ વિભાગના ટ્રાફિક DCP શફીન હસને તપાસ તેજ કરી છે. સમગ્ર તોડકાંડની તપાસ K ડિવિઝન ટ્રાફિક ACPને સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ તોડકાંડમાં કુલ 4 પોલીસકર્મીની સંડોવણી હોવાનું ખુલ્યું છે. બીજી બાજુ દિલ્હીના વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફરિયાદી દિલ્હી હશે તો ત્યાંથી ઝીરો નંબરે ફરિયાદ દાખલ કરાવી અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવશે અને આગળ કાર્યવાહી કરવામાં આવશે.