ભારતીય વાયુ સેનાએ બે રાફેલ ફાઈટર એરક્રાફ્ટને ઈમ્ફાલ એરપોર્ટ નજીક દેખાતા અજાણ્યા ફ્લાઈંગ ઑબ્જેક્ટ્સ (UFO)ની શોધ માટે મોકલ્યા હતા. ગઈકાલે બપોરે ઇમ્ફાલ એરપોર્ટ પર UFO જોવા મળ્યો, જેના પછી કેટલીક કોમર્શિયલ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ.
સંરક્ષણ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું કે, ઈમ્ફાલ એરપોર્ટ નજીક UFO વિશે માહિતી મળ્યા બાદ તરત જ નજીકના એરબેઝ પરથી એક રાફેલ ફાઈટર એરક્રાફ્ટને તેની શોધ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. મોર્ડન સેન્સરથી સજ્જ વિમાન UFO શોધવા માટે શંકાસ્પદ વિસ્તાર પર ખૂબ જ નીચી ઉંચાઈએ ઉડાન ભરી પરંતુ ત્યાંથી કોઈ પણ અજાણ વિમાન કે યાન કે પછી કોઈ જાતના પુરાવા મળ્યા નહીં.
પ્રથમ એરક્રાફ્ટ પરત આવ્યા પછી, ફરીથી ચેક કરવા માટે અન્ય રાફેલ ફાઇટર એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું. તેણે પણ શોધખોળ કરી, પરંતુ આજુબાજુ કોઈ પણ જગ્યાએ UFO દેખાયો નહીં. પરંતુ ભારતીય વાયુ સેનાના પૂર્વી કમાન્ડે તાત્કાલિક પોતાની એર ડિફેન્સ રિસ્પોન્સ મિકેનિઝમ ચાલુ કરી દીધું છે. વધુમાં તેમણે કહ્યું કે, સંબંધિત એજન્સીઓ UFOની વિગતો જાણવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે ઇમ્ફાલ એરપોર્ટ પર UFOનો વીડિયો સામે આવ્યો છે.
ઇસ્ટર્ન કમાન્ડે X પર લખ્યું છે કે ભારતીય વાયુસેનાએ એર ડિફેન્સ રિસ્પોન્સ મિકેનિઝમને સક્રિય કરી દીધું છે. કારણ કે વિઝ્યુઅલ ઇનપુટ્સ ઇમ્ફાલ એરપોર્ટ પરથી આવ્યા હતા. એવું કહેવાય છે કે લગભગ 4 વાગ્યે એક UFO એરફિલ્ડથી પશ્ચિમ તરફ જતો જોવા મળ્યો હતો. જ્યારે એરફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે તેને ત્યાં કંઈ મળ્યું ન હતું. જો કે, તે પછી તે નાની ઉડતી વસ્તુ તે વિસ્તારમાં ફરી જોવા મળી ન હતી.
આ દરમિયાન ઈન્ડિગોનું એક વિમાન કોલકાતા મોકલવામાં આવ્યું હતું. તે થોડા સમય આકાશમાં ઉડાન ભરતો રહ્યો હતો. આ સિવાય 25 મિનિટ પછી બીજી ફ્લાઈટને ગુવાહાટી ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે એરફોર્સ તરફથી કન્ફર્મેશન મળ્યું ત્યારે બાકીની ફ્લાઈટ્સ મોડી પડી હતી. ઘણી ફ્લાઈટ્સ ત્રણ કલાક મોડી પડી છે.
આ ઘટના અંગે એરફોર્સને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. તેમની ઈસ્ટર્ન કમાન્ડ શિલોંગમાં છે. મણિપુરની સરહદ નાગાલેન્ડ, મિઝોરમ અને આસામ સાથે જોડાયેલી છે. આ સિવાય તેની સરહદ પૂર્વ તરફ મ્યાનમાર સાથે જોડાયેલી છે.