તેલંગણા ખાતે મોઈનાબાદમાં સ્ટેડિયમ ખાતે ચાલી રહેલાં ઈનડોર બાંધકામ દરમિયાન દિવાલનો એક ભાગ ધસી પડતાં નાસભાગ થઈ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાની અને 10થી વધુ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે.
માહિતી અનુસાર તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં આવેલા મોઈનાબાદ ગામમાં આ દુર્ઘટના બની હતી. અહીં એક ઈન્ડોર સ્ટેડિયમમાં બાંધકામ કામગીરી ચાલી રહી હતી એ સમયે નિર્માધીણ દિવાલનો એક ભાગ તૂટી જતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પરથી સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિવાલના કાટમાળને હટાવવાનું કામગીરી હાથ ધરવામાં આવી છે. જે ઈન્ડોર સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થઈ છે, તે એક પ્રાઈવેટ સ્ટેડિયમ છે.
રાજેન્દ્રનગરના ડીએસપી જગદીપશ્વર રેડ્ડી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દુર્ઘટના સ્થળ પરના કાટમાળ નીચેથી એક મૃતદેહ બહાર કાઢવામાં રેસ્ક્યુ ટીમને સફળતા મળી જ્યારે અન્ય મૃતદેહોને પણ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં ઈજા પામેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.