ભાવનગરવાસીઓને ગીત- સંગીત, પ્રસ્તુતિ, અભિવ્યક્તિ, યોગા, રમતગમત સહિતની પ્રવૃત્તિ સાથે જલસા કરાવવા સ્મોલ વંડર્સ અને એકતા’સ ક્લોઝેટ દ્વારા ફરી એકવાર 10 ડિસેમ્બરને રવિવારે સ્ટ્રીટ જલસાનું આયોજન થયું છે. ગત વર્ષે 10,000થી વધુ લોકોએ જે આનંદ માણ્યો હતો તે જ આનંદને ફરી જીવંત કરવા આ સ્ટ્રીટ જલસાના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
10 ડિસેમ્બરે સવારે છ થી નવ સુધી શહેરના આતાભાઈ ચોકથી રૂપાણી સર્કલ સુધીના માર્ગ પર ભાવનગર મહાપાલિકા તથા અનેક સંસ્થાઓના સહયોગથી આ સ્ટ્રીટ જલસાનું આયોજન કરાયું છે.
સ્મોલ વંડર્સ અને એકતા’સ ક્લોઝેટના હર્ષા રામૈયા અને એકતા શાહ તથા તેમની ટીમ ફરી એકવાર આ સ્ટ્રીટ જલસાના આયોજન માટે તૈયારી કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ભાવનગરની એક આગવી ઓળખ બન્યો છે અને અમારો ઉદ્દેશ રવિવારની આ સવાર લોકોને યાદગાર બને , તેમની રૂટિન લાઇફમાં નવી ઉર્જા અને ઉત્સાહનો વધારો કરનારી બની રહે તે છે. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ વિવિધ સંસ્થાઓ અને ગ્રુપ આ આયોજનમાં જોડાઈ રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ સાથે વિવિધ ક્ષેત્રમાં જરૂરી સામાજિક જાગૃતિ લાવવાનું અભિયાન પણ સાથે જોડવામાં આવ્યું છે. કાર્યક્રમ માટે ભાવનગર મહાપાલિકાનો અમને સહયોગ મળ્યો છે અને અમે તેમના આભારી છીએ.