અમદાવાદ શહેર ભાજપના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા ઘાટલોડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. મનોજ પટેલ હવે કોર્પોરેટર રહેવા માગતા નથી. તેઓ છેલ્લા છ મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહ્યા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત ગેરહાજરીના પગલે તેઓને કોર્પોરેટર પદેથી રદ કરવામાં આવે તે પહેલાં જ તેઓએ રાજીનામુ આપી દેતા શહેર ભાજપ કોર્પોરેટરો અને અધિકારીઓમાં ચર્ચા જાગી છે. કોર્પોરેટર મનોજ પટેલે પોતાનું રાજીનામું શાસક પક્ષના નેતાને આપી દીધું છે. આ રાજીનામું મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિએજણાવ્યું હતું કે, ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર મનોજ પટેલે પોતાના અંગત કારણોસર કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દીધું છે.આ અંગે મ્યુનિસિપલ કમિશનરને રાજીનામાનો પત્ર પણ સોંપી દેવામાં આવ્યો છે.