ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં 12 દિવસથી ફસાયેલા 41 મજૂરો આજે બહાર આવી શકે છે. અમેરિકન ઓગર મશીન ટૂંક સમયમાં ટનલના એન્ટ્રી પોઈન્ટથી 60 મીટર સુધી ડ્રિલ કરશે. ટનલની અંદર છેલ્લી 800 mm પાઇપ નાખવામાં આવી રહી છે.
રાત્રે જ્યારે 10 મીટર ડ્રિલિંગ બાકી હતું. આ દરમિયાન ઓગર મશીન સામે સળીયો આવી ગયો હતો. NDRFની ટીમે રાત્રે બાર સળીયાને કાપીને અલગ કર્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન ટીમના એક સભ્ય ગિરીશ સિંહ રાવતે જણાવ્યું હતું કે, બચાવ કામગીરી લગભગ અંતિમ તબક્કામાં છે. ડ્રિલિંગ પૂર્ણ થયા પછી, NDRFની 15-સભ્ય ટીમ હેલ્મેટ, ઓક્સિજન સિલિન્ડર અને ગેસ કટર સાથે 800 એમએમની પાઇપલાઇન દ્વારા અંદર જશે. અંદર ફસાયેલા લોકોને બહારની સ્થિતિ અને હવામાન વિશે માહિતગાર કરવામાં આવશે. ડોકટરોનું કહેવું છે કે ટનલની અંદર અને બહારના તાપમાનમાં મોટો તફાવત હોવાથી કામદારોને તાત્કાલિક બહાર લાવવામાં આવશે નહીં.
જો મજુરો નબળાઈ અનુભવે છે, તો NDRFની ટીમ તેમને સ્કેટ સાથે ફીટ કરેલી ટેમ્પરરી ટ્રોલી દ્વારા પાઇપલાઇનમાંથી બહાર કાઢશે. આ પછી 41 મજૂરોને એમ્બ્યુલન્સમાં ચિલ્યાનીસોડ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવશે. અહીં 41 બેડની હોસ્પિટલ તૈયાર છે. ચિલ્યાનીસોડ પહોંચવામાં લગભગ 1 કલાક લાગશે, જેના માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો મજુરોને એરલિફ્ટ કરીને ઋષિકેશ AIIMSમાં લઈ જવામાં આવશે.