અમેરિકામાં ગન કલ્ચરના વધતા જતા દુષણનો ભોગ ભારતીય મૂળના લોકો અને ભારતીય વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે તેમજ અવાર-નવાર ભારતીય વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવે છે ત્યારે વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
અમેરિકાના ઓહાયોમા 26 વર્ષીય ભારતીય વિદ્યાર્થી કારની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક વિગત મુજબ વિદ્યાર્થીનુ નામ આદિત્ય અદલખા હોવાનું જાણાવા મળ્યું છે જે સિનસિનાટી યુનિવર્સિટીમાં મોલેક્યુલર અને ડેવલપમેન્ટલ બાયોલોજીમાં પીએચડીનો અભ્યાસ કરતો હતો. સ્થાનિક સુત્રોના અહેવાલ મુજબ આદિત્ય અદલખા સિનસિનાટીમાં વેસ્ટર્ન હિલ્સ વાયડક્ટ પર ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે તેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. કારની બારીમાં બુલેટના છિદ્રો પણ દેખાયા છે. આ ઘટના 9મી નવેમ્બરના રોજ બની હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.