ભાવનગર મહાપાલિકા દ્વારા કાલે રીંગ રોડ પર સ્પે. ડાઇવ દરમિયાન ઓડી કારના ચાલકે ડે. કમિશનર પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ કિસ્સામાં ભીનું સંકેલી લેવા પ્રયાસો ચાલી રહ્યા છે, વધુમાં ખુદ શાસક ભાજપના ચૂંટાયેલા એક કોર્પોરેટર ભલામણ કરી રહ્યા છે તેનો ભાઈ કાર ચાલકને સાથે લઈ ફરી રહ્યો હોવાની કોર્પોરેશનના વર્તુળોમાં ભારે ચર્ચા ઉઠી છે. આવા તત્વોને રાજકીય ઓથ પૂરી પાડવા સામે કર્મચારીગણ અણગમાં સાથે ગણગણાટ વ્યાપ્યો છે અને જા અધિકારીઓ સલામત નથી તો નાના કર્મચારીઓની સુરક્ષાનું શું .? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.
શહેરમાં વિકાસ કામગીરીના ભાગરૂપે રસ્તા પરના હટાવાતા દબાણો તેમજ રોડને અડચણરૂપ બિલ્ડીંગ મટીરીયલ અને વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે દબાણ કરતા તત્વો તેમજ વાહન ચાલકોને ખટકી રહી હોય તેમ વારંવાર કોર્પોરેશનના અધિકારીઓ પર વાહનો ચઢાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અગાઉ ભાવનગર રાજકોટ રોડ પર માર્કેટિંગ યાર્ડ પાસે રસ્તા પર પાર્ક કરેલા ટ્રકને કોર્પોરેશનના કર્મચારીઓ લોક મારી રહ્યા હતા તે દરમિયાન કમિશનરના પી.એ. અને પર્યાવરણ અધિકારી પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ થયો હતો.
તત્કાલીન સમયે તે ટ્રક ચાલક સામે કોર્પોરેશન, ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ દ્વારા કડક દંડનીય કાર્યવાહી કરી પાઠ ભણાવ્યો હતો. ત્યાં ગુરુવારે સવારે મંત્રેશ કોમ્પ્લેક્સ થી ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બાલા હનુમાન પાર્ક સુધી સફાઈ ઝુંબેશ સાથે રસ્તા પરના દબાણો હટાવવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જે દરમિયાન ગુજરાત ગેસ સીએનજી પમ્પથી તેજસ્વી સ્કૂલ વચ્ચે રોડ પર ટ્રાફિકને અડચણરૂપ પડેલા રેતીના ઢગલા ઉપાડવાની કાર્યવાહી કરતા હતા.
ત્યાંરે ડેપ્યુટી કમિશનર એમ.આર.બ્રહ્મભટ્ટ પર ઓડી કાર નંબર જી.જે.૦૧-આર.ડી.૩૪૪૮ના ચાલકે કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડેપ્યુટી કમિશનર ખસી જતા કાર ચાલકનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો બાદમાં કાર સ્થળ પર છોડી ચાલક નાસી છૂટ્યો હતો. જેથી કોર્પોરેશન દ્વારા કારને લોક મારી દીધું હતું. આ કિસ્સામાં કોર્પોરેશન દ્વારા કારચાલક સામે કડક કાર્યવાહી શરૂ કરતાં રાજકીય વગ ધરાવતો કારચાલક સમાધાન અને માફી માટે કોર્પોરેશનમાં બે વાર ધક્કા ખાતા હતા. સમાધાન માટે આવેલા કારચાલકને એકવાર તગેડી મૂક્યો હતો. સીએનજી પમ્પથી તેજસ્વી સ્કૂલ વચ્ચે રેતી કપચી સહિતનો બિલ્ડીંગ મટિરિયલનો મોટા પાયે વ્યવસાય ચાલી રહ્યો છે. અને રેતી કપચી સહિતનું મટીરીયલ પણ બહાર રાખવામાં આવે છે. જેને જપ્ત કરવા જતા રાજકીય વગ ધરાવતા શખ્સ દ્વારા ડેપ્યુટી કમિશનર પર કાર ચડાવવાના પ્રયાસથી ભારે ચકચાર મચી હતી. આ પ્રયાસથી કોર્પોરેશનના કર્મચારીગણમાં ભારે રોષ વ્યાપ્યો છે, વધુમાં કારચાલકને બચાવવા ‘બેઠી દડીના ભાજપના એક સ્થાનિક કોર્પોરેટર ઊંચી લાગવગ’ કરતા હોવાનું જાણવા મળ્યું છે, તો તેનો ભાઈ ચાલકને સાથે લઈને ફરતો હોવાનું પણ કહેવાય છે. વધુમાં જાણવા મળ્યા મુજબ કારના માલિક અને ચાલક અંગે કોઈ મેળ ખાતો નથી, ત્યારે કોના ઇશારે આ થયું.? રેતીનો ઢગલો કોનો કોનો હતો અને કોર્પોરેટર બચાવવા કૂદી પડ્યા તેનું કારણ શું.? તે સહિતના પ્રશ્નો ઉઠ્યા છે.