ઈન્ડિયન પ્રીમિયર લીગ2024 માટે 19 ડિસેમ્બરે દુબઈમાં ખેલાડીઓનું ઓક્શન યોજાવાનું છે. જો કે, આજે આ હરાજી પહેલા ગુજરાત સહિત તમામ 10 ટીમોએ રિટેઇન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતે હાર્દિક પંડ્યાને રિટેઈન કર્યો હતો. જો કે, ગુજરાતે રિટેઈન કર્યાના બે કલાકમાં ટ્રેડિંગ વિન્ડો અંતર્ગત મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ખરીદી લીધો છે.
ગુજરાત ટાઈટન્સ હાર્દિક પંડ્યાને રિટેઈન કર્યાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, બાદમાં અંદાજે બે કલાક બાદ એક ક્રિકેટ વેબસાઇટે જાહેર કર્યું કે, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પરત ફર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ સંપૂર્ણપણે કેશ ડીલ થઈ છે, એટલે કે, કોઈ ખેલાડીને સામેલ કરવામાં આવશે નહીં. મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને 15 કરોડ રૂપિયા આપશે. આ ઉપરાંત એક અલગ ટ્રાન્સફર ફી પર પણ સહમતિ બની છે, જેમાંથી 50 ટકા હાર્દિકને આપવામાં આવશે અને બાકીની 50 ટકા રકમ ગુજરાત ટાઇટન્સને આપવામાં આવશે.
ગુજરાત ટાઇટન્સે આ ખેલાડીઓને રિટેઈન કર્યા
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશ લિટલ, મોહિત શર્મા.