ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત કાઢવા માટે 12 સભ્યોના રેટ માઇનર્સની ટીમ પણ પહોંચી છે. ટનલની ઉપરથી પણ વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવી રહી છે. કહેવામાં આવે છે કે 12 રેટ માઇનર્સની ટીમે અત્યાર સુધી 2-3 મીટરથી વધુનું ખોદકામ કર્યું છે. આ સિવાય ટનલની ઉપરથી જ થઇ રહેલી વર્ટિકલ ડ્રિલિંગ પણ 50 મીટર થઇ ગઇ છે. મજૂરોને ઉપરથી રેસક્યૂ કરવા માટે કુલ 86 મીટર ખોદકામની જરૂર છે.
અધિકારીઓએ તે પછી મેન્યુઅલ ડ્રિલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે રેટ માઇનર્સ હોરિજેન્ટલ ડ્રિલિંગ કરી રહ્યાં છે. રેટ માઇનર્સ અંદર જઇને ખોદકામ કરી રહ્યાં છે, આ લોકો પોતાની સાથે ગેસ કટર પણ લઇને ગયા છે જેથી કાટમાળમાં લોખંડના ગાર્ડર જેવા સામાન મળવા પર તેને કાપીને કાઢી શકાય.
હોરિજેન્ટલ ડ્રિલિંગ માટે બે પ્રાઇવેટ કંપનીઓની બે ટીમ કામ કરી રહી છે. એક ટીમમાં 5 એક્સપર્ટ છે જ્યારે બીજી ટીમમાં 7 એક્સપર્ટ છે. જોકે, રેટ હોલ માઇનિંગ વિવાદાસ્પદ અને ખતરનાક પ્રક્રિયા છે જેમાં માઇનર્સ નાના નાના જૂથમાં ઊંડી ખાણમાં જઇને કોલસો બહાર કાઢે છે. ઉત્તરાખંડ સરકારના નોડલ અધિકારી નીરજ ખૈરવાલે સ્પષ્ટ કર્યું કે સાઇટ પર લાવવામાં આવેલા લોકો રેટ માઇનર્સ નથી પણ આ ટેકનિકના જાણકાર લોકો છે.