પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો તબકકો પુરો થતાં હવે ભાજપે 2024 માટે પક્ષને નવા ગીયરમાં નાખ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.3 ડિસેમ્બરના આવી રહેલા પરિણામોની ચિંતા કર્યા વગર જ તમામ મંત્રીઓ તથા સાંસદોને તેમના મત વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં પહોંચી જવા અને વીઆઇપી કે વીવીઆઇપી જેવું વર્તન નહીં કરી. જનતાની વચ્ચે જઇને તેમના કામ કરવા સલાહ આપી છે.
મોદીએ તમામ મંત્રીઓને પુરા દેશમાં પ્રવાસ કરવા અને સરકારે જે યોજનાઓ અમલમાં મુકી છે તેનો લાભ તમામ લોકોને મળે તે જોવા જણાવ્યું છે. મોદીએ કહ્યું કે લાભાર્થીઓ સુધી પહોંચીને આપણે આપણી સ્થિતિ મજબૂત બનાવી શકશું અને તેના આધારે 2024માં લોકો આપને પસંદ કરશે. શ્રી મોદીએ ખાસ તાકિદ કરી કે હાલ જે ભારત સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે તેની સફળતા એ આપણા માટે સૌથી મહત્વની છે. મંત્રીઓએ વીઆઇપી કે ઉદઘાટક તરીકે નહીં પરંતુ કાર્યકર્તાઓની સાથે આવા પ્રકારની યાત્રાઓમાં જોડાઇને લોકો સુધી પહોંચવું જોઇએ.
એક તરફ હાલની યાત્રા ગ્રામીણ વિસ્તારોમાં ચાલી રહી છે અને તે તબકકો પુરો થયા બાદ તેની સમીક્ષા કરીને શહેરી ક્ષેત્રોમાં પણ આ યાત્રા યોજવા નિર્ણય લેવાશે. વડાપ્રધાને તમામ મંત્રીઓને આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા આરોગ્ય સેવાઓમાં લાભ મળે તે પણ જોવા જણાવ્યું હતું. ટુંક સમયમાં જ આ અંગે દેશમાં હોર્ડીંગ લગાવાશે અને તેનું મટીરીયલ તૈયાર થઇ રહ્યું છે.
2004માં જેમાં શાઇનીંગ ઇન્ડિયા કેમ્પેન વાજપેયી સરકારે ચલાવી હતી તેની કેટલીક ખામીઓની સમીક્ષા કરીને મોદી સરકાર પણ વિકસીત ભારતનું સંકલ્પ લેવા માટે ખાસ કેમ્પેન ચલાવશે. વડાપ્રધાને કહ્યું કે શિયાળુ સત્ર આવી રહ્યું છે અને ચૂંટણી પરિણામો જે આવે પરંતુ વિપક્ષો આક્રમક હશે અને તેના માટે પણ મંત્રીઓએ તૈયાર રહેવા જણાવ્યું હતું.