દેશમાં પાંચ રાજયની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પુરી થતા જ ગઈકાલ સાંજે જાહેર થયેલા એકઝીટ પોલમાં ભાગ્યે જ તમામમાં એક સમાનતા જોવા મળે છે અને તેથી રવિવારે જાહેર થનારા પરિણામોથી ઉતેજના વધી છે. દેશોમાં ટીવી ચેનલોએ અલગ- અલગ પોલ-કંપનીઓ સાથે રહીને એકઝીટ પોલ તૈયાર કર્યા પણ તમામમાં ખાસ કરીને મુખ્ય હરિફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતાની દૌટમાં અલગ-અલગ ચિત્ર અને તેમાં સંભવિત બેઠકોમાં પણ મોટો તફાવત નજરે ચડી રહ્યો છે. આ એકઝીટ પોલમાં કયા પોલ સાચા પડશે તે અંગે પણ પ્રશ્ન છે. રાજસ્થાન જેવા રાજય જયાં દર પાંચ વર્ષે સતા બદલાય છે તે રાજયમાં પણ કોઈ એકઝીટ પોલ વચ્ચે સમાનતા નથી.
200 બેઠકોની વિધાનસભા બે પોલમાં ભાજપ- બે પોલમાં કોંગ્રેસને સરસાઈની સ્થિતિમાં દર્શાવાયા છે. મધ્યપ્રદેશ જે 230 બેઠકો સાથે ચૂંટણીમાં ગયું હતું ત્યાં પણ વિરોધાભાસી ચિત્ર તમામ પોલ વચ્ચે જોવા મળ્યું છે. એક માત્ર છતીસગઢમાં કોંગ્રેસ પક્ષ કમાન્ડીંગ સ્થિતિમાં દર્શાવ્યુ છે અને તે બહુમતીના આંકડા કે તેને પાર કરતો દર્શાવાય છે. જયારે તેલંગાણામાં 119 બેઠકોમાં એડવેન્ટેજ કોંગ્રેસની સ્થિતિ છે અને મિઝોરામમાં જનાદેશ ખંડિત હોવાનું ચિત્ર બને છે.
એક તરફ આ ચુંટણીમાં રાજસ્થાન-છતીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વની કસોટી છે. પક્ષના મોવડીમંડળે બહું ઓછી દરમ્યાનગીરી કરીને ફરી પ્રચારકની ભૂમિકા ભજવી હતી તેમ કોંગ્રેસના ત્રણ મુખ્યમંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે તો ભાજપે ચુંટણી મોદી ફેકટર પર જ લડી છે અને સ્થાનિક નેતૃત્વ બીજી હરોળમાં અને તે પણ મુખ્યમંત્રીના ચહેરા વગર લડાયુ છે તેથી ભાજપમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાની વધુ એક કસોટી છે.
તેલંગાણામાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ હેટ્રીક કરી શકશે કે કોંગ્રેસ તેનો જૂનો અને પ્રાદેશિક પક્ષના હાથે ગુમાવેલો ગઢ પરત મેળવે છે કે કેમ તે પ્રશ્ન છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ‘લાડલી’ બહેનો તેને સાચવી લે છે કે કેમ તે ચિંતા કરતા હશે. ચંદ્રશેખર રાવની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા વચ્ચે પ્રાદેશિક ગઢ જાળવવાનો પ્રયાસ નિષ્ફળ જતો હોય તેવું દ્રશ્ય છે. કોંગ્રેસના બે ટોચના દિગ્ગજ નેતાએ અશોક ગેહલોત તથા કમલનાથને આ ચુંટણી નિવૃતિ અપાવે છે કે નવું જોશ તે પણ ચર્ચામાં છે.