ભારતીય શેરબજાર તેજીના નવા દોરમાં આવ્યુ હોય તેમ નવા નવા રેકોર્ડ સર્જવા લાગ્યુ છે આજે નેશનલ સ્ટોક એકસચેંજનો ઈન્ડેકસ નીફટી નવી ઐતિહાસીક ઉંચાઈએ પહોંચ્યો હતો અને શેરબજારમાં જબરજસ્ત તેજી ચાલુ રહી હતી. શેરબજારમાં આજે શરૂઆત જ ગેપઅપ રહી હતી અને ઓલરાઉન્ડ લેવાલીનો દોર ચાલુ રહેવાથી તેજી આગળ ધપતી રહી હતી.
ભારતનો જીડીપી વિકાસદર અંદાજ કરતા પણ વધુ આવ્યો હોવાથી સારી અસર થઈ હતી. ઉપરાંત વિદેશી નાણા સંસ્થાઓએ નવેસરથી ખરીદીમાં ઝુકાવ્યુ હોય તેમ ગઈકાલે એક જ દિવસમાં 8000 કરોડથી અધિકની ખરીદી કર્યાના આંકડા જાહેર થતાં તેજીને મજબુત ટેકો મળ્યો હતો. શેરબજારમાં આજે શરૂઆતથી જ મોટાભાગનાં ક્ષેત્રોના શેરો લાઈટમાં હતા.
નવેમ્બરમાં રેકોર્ડબ્રેક તેજીના નવા દોર વચ્ચે ઈન્વેસ્ટરો માલામાલ થઈ રહ્યા છે. ખાસ કરીને સ્મોલ કેપ શેરોમાં તગડી કમાણી થઈ રહી છે.નવેમ્બર મહિનામાં ઈન્વેસ્ટરોને 24.1 લાખ કરોડની કમાણી થઈ હતી. શેરબજારનુ માર્કેટ કેપ 4 ટ્રીલીયન ડોલરના રેકોર્ડ સ્તરને વટાવી ગયાનું ઉલ્લેખનીય છે.