રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે હાલ જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે સિંગાપોર પહોંચ્યા છે.વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર પ્રવાસનો પ્રારંભ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર યુત ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો.ભુપેન્દ્ર પટેલે ત્યારબાદ સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી તેમજ સિંગાપોર બિઝનેસ ફેડરેશનના CEO યુત પ્રસુન મુખર્જી અને ડેલીગેશન સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રી ગેન કિમ યોંગ સાથે મુલાકાત દરમિયાન સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર-વાણિજ્ય અને રોકાણો અંગે ચર્ચા કરી હતી.