ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ છ રને જીતી લીધી હતી. આ જીત સાથે તેણે T20 શ્રેણી 4-1થી કબજે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 161 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તે આઠ વિકેટે 154 રન જ બનાવી શકી હતી.
મેચની છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 10 રન બનાવવાના હતા અને તેનો કેપ્ટન મેથ્યુ વેડ ક્રિઝ પર હતો. તે છેલ્લી ઓવરમાં અર્શદીપ સિંહે ત્રીજા બોલ પર વેડને શ્રેયસ અય્યરના હાથે કેચ કરાવીને ઓસ્ટ્રેલિયાની આશા તોડી નાખી હતી. અર્શદીપે છેલ્લી ઓવરમાં માત્ર ત્રણ રન જ ખર્ચ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેન મેકડર્મોટે સૌથી વધુ રન બનાવ્યા હતા. મેકડર્મોટે 54 રનની ઇનિંગ રમી જેમાં પાંચ સિક્સર સામેલ હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી. જ્યારે મુકેશ કુમારને સૌથી વધુ ત્રણ સફળતા મળી હતી.