ભાવનગરમાં રાજકોટ રોડ પર નિર્માણાધિન ફ્લાયઓવર બ્રીજમાં વિઘ્નરૂપ બનેલા સરિતા શોપિંગ સેન્ટરને તોડી પાડવા કોર્પોરેશને નિર્ણય કરી નોટિસ ફટકારેલી છે. આ વિવાદમાં શોપિંગ સેન્ટરના દુકાનદારોએ કોર્પોરેશનની કાર્યવાહી સામે સ્ટે માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે આથી આગામી ૬ ડિસેમ્બરના કોર્પોરેશન વતી તેમના વકીલ હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેશે.
સરિતા શોપિંગ સેન્ટર નિર્માણથી જ વિવાદમાં છે પરંતુ શાસકો અને તંત્ર વાહકોની ઢીલી નીતિના કારણે વર્ષોથી શોપિંગ સેન્ટર અડીખમ ઉભું હતું હવે ફ્લાયઓવર બ્રીજ માટે જમીન સંપાદનની જરૂર પડતા કોર્પોરેશને શોપિંગ સેન્ટરને ગેરકાયદે હોવાનું જણાવી તેને તોડી પાડવા કાયદાનું હથિયાર ઉગામ્યું છે. બીજી બાજુ દુકાન ધારકોએ કોર્પોરેશનના આ નિર્ણયને હાઇકોર્ટમાં ફટકાર્યો છે જેમાં બે દિવસ બાદ મુદત હોય કોર્પોરેશન વતી રોકાયેલા વકીલ હાઇકોર્ટમાં ઉપસ્થિત રહી કોર્પોરેશન તરફેની કાર્યવાહી કરશે.