પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાની પુત્રવધુ ભવાની રેવન્નાએ તેમની લક્ઝરી કારમાં ટક્કર મારનાર એક બાઈક સવારનો જે પ્રકારે ક્લાસ લીધો તેનો વીડિયો સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભવાનીના તે નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ જ આલોચના થઈ રહી છે જેમાં તેમણે પોતાની 1.5 કરોડ રૂપિયાની કારને બાઈક સવારના જીવ કરતા વધારે કિંમતી જણાવી છે.
જો કે આ ઘટનાના જવાબમાં ભવાનીના પતિ એક્સ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એસ.ડી.રેવન્નાએ પોતાની પત્નીની ટિપ્પણી માટે માફી માંગી છે. તેમણે કહ્યું, “જો કોઈને ભવાનીની વાતોથી ઠેસ પહોંચી છે તો હું માફી માંગુ છું. તેમના મિત્રની કાર તૂટવા પર તેમણે ગુસ્સામાં આ પ્રતિક્રિયા આપી છે. ભવાનીએ પોતાના જીવનમાં ક્યારેય કોઈને ઈજા નથી પહોંચાડી. ”
વાયરલ વીડિયોમાં ભવાની એક બાઈક સવાર પર રોડ પર જ ગુસ્સો કાઢી રહ્યા છે. હકીકતે આ શખ્સની બાઈક ભવાનીની લક્ઝરી કારથી ટકરાઈ હતી. જેના બાદ ભવાનીએ કહ્યું કે જો તમે મરવા માંગો છો તો બસની નીચે જવું હતુંને મારી કારથી કેમ મરવા માંગે છે. વીડિયોમાં તે ગુસ્સામાં બુમો પાડતા જોવા મળી રહ્યા છે કે, “મરવાની ચિંતા કરવાનું બંધ કરો યાર, મારી 1.5 કરોડ રૂપિયાની કારનું શું થશે?”






