ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું હતું. લખબીર સિંહ રોડે પ્રતિબંધિત સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સ્વયં-ઘોષિત ચીફ હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે કે લખબીર સિંહ રોડેનું 72 વર્ષની વયે પાકિસ્તાનમાં નિધન થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હતું.
લખબીર સિંહ રોડે ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો ભત્રીજો હતો અને તેનું નામ ભારત દ્વારા જાહેર કરાયેલી આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. લખબીર સિંહ રોડેના ભાઈ અને અકાલ તખ્તના પૂર્વ જથેદાર જસબીર સિંહ રોડે લખબીરના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જસબીર સિંહે કહ્યું કે મારા ભાઈના દીકરાએ અમને કહ્યું છે કે તેનું પાકિસ્તાનમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું અને તેના અંતિમ સંસ્કાર પાકિસ્તાનમાં જ કરવામાં આવ્યા હતા. તે ડાયાબિટીસથી પીડિત હતો. લખબીર સિંહ રોડેના બે પુત્ર, એક પુત્રી અને પત્ની કેનેડામાં રહે છે.