રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેના ઘરમાં જ ત્રણ બદમાશોએ ગોળી મારીને હત્યા કરી છે. આ હત્યા પછી રાજસ્થાનમાં તણાવ વધી ગયો છે. જયપુર સહિત અનેક જગ્યાએ પ્રદર્શન થઇ રહ્યા છે. ચુરૂમાં સરકારી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને રાજસ્થાનના અન્ય સમાજોએ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં આજે રાજસ્થાન બંધનું એલાન કર્યું છે. આ પહેલા જયપુરમાં રાજપૂત કરણી સેનાના સમર્થકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. મેટ્રો માસ હોસ્પિટલની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને માનસરોવરમાં રસ્તાને બંધ કરવામાં આવ્યો હતો.
કડક કાર્યવાહી કરો- રાજ્યપાલ કલરાજ મિશ્રા
સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાને લઇને રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ પણ નોંધ લેતા ડીજીપી ઉમેશ મિશ્રા પાસે ઘટનાની જાણકારી મેળવી હતી. તે પછી રાજ્યપાલે ડીજીપીને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા, તેમણે કહ્યું કે ગુનેગાર કોઇ પણ હોય જલ્દી તેની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે.