અમેરિકામાં વધુ એક વાર ગોળીબારની ઘટના બની છે. લાસ વેગાસ પાસે આવેલી નેવાડા યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર શકમંદ પણ માર્યો ગયો છે. લાસ વેગાસ મેટ્રો પોલીસે જણાવ્યું કે આ હુમલો સ્થાનિક સમય અનુસાર લગભગ 11:45 વાગ્યે થયો હતો.
મીડિયા અહેવાલ મુજબ, ગેમ્બલિંગ હબ અને પ્રવાસીઓથી ભરપૂર લાસ વેગાસથી થોડે દૂર સ્થિત યુનિવર્સિટી ઓફ નેવાડામાં ગોળીબારની ઘટના બની હતી છે. આ ઘટના અંગે, લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ઘટના પર હાજર અમારા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને એક ઈજાગ્રસ્તને સ્થાનિક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં શૂટરનું પણ મોત થયું છે.
આ વર્ષે અમેરિકામાં એવી 38 ઘટનાઓ ઘટી છે, જેમાં ગોળીબાર કરનારને બાદ કરતાં 4 કે તેથી વધુ લોકોની હત્યા કરવામાં આવી હોય. અગાઉ અમેરિકામાં એક વર્ષમાં માસ શૂટિંગની સૌથી વધુ સંખ્યા 36 હતી, જે ગયા વર્ષે નોંધાઈ હતી.