લાંબી બીમારી પછી જૂનિયર મહેમૂદનું 67 વર્ષની વયે નિધન થયું છે. કેન્સર સામે તે જંગ હારી ગયા હતા.ગુરૂવાર રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જૂનિયર મહેમૂદના મિત્ર સલામ કાજીએ તેમના નિધનની પૃષ્ટી કરી છે. જૂનિયર મહેમૂદ લાંબા સમયથી કેન્સર સામે ઝઝુમી રહ્યાં હતા. જૂનિયર મહેમૂદે પોતાના મિત્ર જિતેન્દ્ર અને સચિન પિલગાઉંકરને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, તેમની ઇચ્છા પર બન્ને કલાકાર ખાસ કરીને તેમણે મળવા માટે પહોંચ્યા હતા. જૂનિયર મહેમૂદની સ્થિતિ જોઇને જિતેન્દ્ર રડી પડ્યા હતા.
જૂનિયર મહેમૂદે કેટલીક ફિલ્મ ટીવી સીરિયલ્સમાં કામ કર્યું હતું. કરિયરની શરૂઆત વર્ષ 1967માં આવેલી સંજીવ કુમારની ફિલ્મ નૌનિહાલથી કરી હતી, તે સમયે તે માત્ર 11 વર્ષના હતા. જૂનિયર મહેમૂદે સંઘર્ષ, બ્રહ્મચારી, દો રાસ્તે, કટી પતગ, હાથી મેરે સાથી, હંગામા, છોટી બહૂ, દાદાગિરી સહિત કેટલીક ફિલ્મમાં કામ કર્યું હતું. જૂનિયર મહેમૂદે પોતાની કરિયરમાં બલરાજ સાહિનીથી લઇને સલમાન ખાન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. સૌથી વધુ તે રાજેશ ખન્ના અને ગોવિંદાની ફિલ્મમાં જોવા મળ્યા હતા. રાજેશ ખન્ના સાથે તેમની ફિલ્મ હાથી મેરે સાથી ઘણી ખાસ રહી હતી.